યુવકે પ્રેમલગ્ન કરી લીધાં બાદ માતા ઠપકો આપશે તેવા ભયથી ઘર છોડી દિધું ‘તું : ટીમે ઈન્સ્ટાગ્રામ આઈડી આધારે ગાંધીનગરથી શોધી લીધો
પુત્ર અને નિરાધાર માતા-બહેનનું મિલન થતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા : એલસીબી ઝોન-૨ના પીએસઆઇ આર.એચ.ઝાલા અને ટીમનો આભાર માન્યો
Rajkot,તા,29
ભવાનીનગરમાંથી પાંચ વર્ષથી ગુમ યુવકને સોશીયલ મીડિયાના આધારે શોધી પોલીસે પરીવાર સાથે મિલન કરાવતાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતાં. યુવકે પ્રેમલગ્ન કરી લીધાં હોવાથી માતા ઠપકો આપશે તેવા ભયથી ઘર છોડી દિધું હતું. એલસીબી ઝોન-૨ ની ટીમે ઈન્સ્ટાગ્રામ આઈડી આધારે ગાંધીનગરથી યુવકને શોધી કાઢતા પરીવારે પોલીસનો આભાર માન્યો હતો. વર્ષ-૨૦૦૭ થી ગુમ થયેલ વ્યકિતઓ/બાળકો તેમજ અપહરણ થયેલને શોધી કાઢી અસરકારક કામગીરી કરવાની આપેલ સુચનાથી એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર.એચ.ઝાલા અને ટીમે ટેકનીકલ તથા હ્યુમન સોર્સથી અપહરણ તથા ગુમ થયેલ વ્યકિતઓ/બાળકોને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય દરમ્યાન ભકિતનગર પોલીસ મથકમાંથી ગુમ થનાર ઇકબાલ સાહીદભાઇ કથીરી ગઇ તા.૧૨/૦૯/૨૦૨૧ થી છેલ્લા પાંચેક વર્ષથી ગુમ થયેલ છે.
જેથી ગુમ થનારની માહિતી એકત્ર કરી ટેકનીકલ સોર્સ દ્વારા ગુમ થનાર ઇકબાલ સાહીદભાઇ કથીરી (ઉ.વ.૨૮) ગાંધીનગર કોબા ખાતે હોવાની હકિકત મળતા ગુમથનારને શોધી કાઢી તેમની માતા તથા તેના પરીવાર સાથે મિલન કરાવતાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતાં.
વધુમાં ગુમ થનાર યુવકને શોધી કાઢનાર ટીમના પીએસઆઇ આર.એચ.ઝાલાએ જણાવ્યું હતું કે, પાંચ વર્ષ પહેલા ગુમ થયેલ બાળક અંગે અમારી ટીમે તપાસ આદરી હતી ત્યારે સોશિયલ મીડિયા મારફતે પણ ટીમે આગળ વધતા ઈન્સ્ટાગ્રામ આઈડીમાં એક મળેલ પોસ્ટના આધારે તેના મોબાઈલ નંબર શોધી કાઢ્યા હતા. જે મોબાઈલ હાલ ગાંધીનગરના કોબામાં એક્ટિવ હોવાનું મળતા ટીમે તુરંત જ ત્યાં જઈ યુવકને શોધી કાઢ્યો હતો. યુવક હાલ ત્યાં પ્લમ્બિંગનું કામ કરતો હતો. તેમજ પાંચ વર્ષ પહેલા તેમણે પ્રેમ લગ્ન કરી લીધા હોવાથી તેમની માતા તેમને ઠપકો આપશે તેવા ભયથી તે ઘરેથી નીકળી ગયો હતો અને ગાંધીનગર સ્થાઈ થઈ ગયો હતો. પુત્ર અને માતાના મિલનથી લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસ પરિવારનો નિરાધાર માતાએ આભાર માન્યો હતો.

