Porbandar તા.4
પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ગામે ગામના વિકાસ માટે ગ્રામસભાનું અધિકારીઓની હાજરીમાં આયોજન થતું હોય છે. જેમાં ગ્રામજનો અરજદારો તરફથી થતી લેખીત રજુઆતના ઠરાવો થવા છતાં તેનો અમલ નહીં થતા આવી ગ્રામસભા બોલાવવાનો અર્થ શું? ગામના વિકાસમાં ગ્રામ પંચાયતના સરપંચ ભનુ ભુવા અને તલાટી મંત્રીને કોઇ રસ નહીં હોવાથી ગ્રામજનોને પાણી, રસ્તા, સફાઇ સહિતની સુવિધાઓ મળતી નથી.
વખતો વખત મળતી ગ્રામસભામાં માત્ર મળતીયાઓને બોલાવી ગ્રામસભા આટોપી લેવામાં આવે છે. અગાઉ ગ્રામસભામાં થયેલા ઠરાવમાં મેળા નીચે બસ સ્ટોપનું છાપરુ, શૌચાલય બનાવવા, બ્રહ્મકુંડની સફાઇ, બિસ્માર રસ્તા અને સાગર શાળા વિસ્તારનાં કામોના ઠરાવોનો અમલ થતો નથી. પરિણામે ગ્રામજનોને જરૂરી પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી. ગ્રામ પંચાયતને માત્ર વેરો વસુલવામાં રસ હોવાથી વિકાસ રૂંધાયો છે.

