Mumbai, તા.3
મુંબઇગરાઓને કાળઝાળ-આકરી ગરમીમાંથી રાહત મળી હોય તેમ આજે સવારથી વરસાદ ખાબક્યો હતો. કેટલાંક ભાગોમાં ત્રણ ઇંચ સુધી પાણી વરસી ગયું હતું. અનેક માર્ગો જળબંબાકાર બન્યા હતા. પરિણામે અંધેરી સહિતના સબવે બંધ કરવામાં આવ્યા હતા.
દેશના અનેક ભાગોમાં હવામાન પલ્ટાની સ્થિતિ વચ્ચે મુંબઇમાં પણ યલો એલર્ટ જાહેર થયું જ હતું અને તે દરમિયાન આજે સવારથી મેઘરાજાનું આગમન થઇ ગયું હતું. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને તાપમાનનો પારો એક જ ઝાટકે 6 ડીગ્રી નીચે આવી ગયો હતો.
ચોમાસાના આગમન પૂર્વેનો આ વરસાદ વરસોવા, વિલેપાર્લે, અંધેરી, શાંતાક્રૂઝ, નરિયા લવાડી, બાંદ્રા, ખાર સહિતના ભાગોમાં વરસ્યો હતો. મુંબઇગરાઓ સવારે જાગ્યા ત્યારે વરસાદની રેલમછેલથી આશ્ચર્ય પામ્યા હતા.
મહાનગરના પશ્ચિમી પરા ભાગોમાં સરેરાશ વરસાદ અર્ધો ઇંચ જ નોંધાયો હતો. પરંતુ વરસોવામાં સવારે 7 થી 8ના એક કલાક દરમિયાનમાં જ 3 ઇંચ વરસાદ વરસી ગયો હતો. કૂપર હોસ્પીટલ વેધર સ્ટેશન, મલપા ડોંગરીમાં બે-બે ઇંચ તથા વિલેપાર્લે અને નરિયાલવાડીમાં સવા થી દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો.
ભારે વરસાદને કારણે અનેક માર્ગો જળબંબાકાર બન્યા હતા. અંધેરી સબવે બંધ કરી દેવાયો હતો. ચોમાસા પૂર્વેના આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. હવામાન વિભાગે 6 જુન સુધી હળવા-મધ્યમ વરસાદની આગાહી કરી છે.

