Surendaranagar,તા.18
ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ તાલુકાના અભેપર ગામમાં ગેરકાયદેસર કોલસા ખનન પર નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. વોટ્સએપ પર મળેલી માહિતીના આધારે 18 ડિસેમ્બર, 2025ના રોજ રાત્રે 12ઃ45 કલાકે આ કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન 17.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને 9 મજૂરોને બચાવી લેવાયા હતા.
અભેપર ગામના ખાનગી માલિકીની સર્વે નંબર 11ની જમીન પર ચાલી રહેલા ગેરકાયદેસર કોલસાના કૂવામાંથી બે ટ્રેક્ટર, એક મિની ટ્રેક્ટર, એક કમ્પ્રેશન મશીન, એક ચરખી, ચાર બકેટ અને 19 નંગ સુપર પાવર નાઈટિ વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા તમામ મુદ્દામાલની કુલ કિંમત 17,30,000/- આંકવામાં આવી છે, જેને ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે.
કાર્યવાહી દરમિયાન, કોલસાના કૂવામાંથી એક મિની ટ્રેક્ટર બહાર કાઢવામાં આવ્યું હતું અને અંદર ફસાયેલા 9 મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિમાં જમીનના કબજેદાર ગોરધનભાઈ છનાભાઈ ઝેઝરીયા (રહે. અભેપર, થાનગઢ) અને કોન્ટ્રાક્ટર જયેશભાઈ સવશીભાઈ મકવાણા (રહે. દેવપરા (આ), થાનગઢ) સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.
ઉપરોક્ત તમામ ઈસમો તેમજ વાહન માલિકો સામે ગુજરાત મિનરલ (ગેરકાયદેસર ખનન, પરિવહન અને સંગ્રહ અટકાવવા) નિયમો, 2017 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, તેમની સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. અભેપર ગામના સરપંચ અને તલાટી-કમ-મંત્રી વિરુદ્ધ પણ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

