New Delhi,તા.24
આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ એક અત્યંત ચોંકાવનારો નિર્ણય લેતા જાહેર કર્યું છે કે તેઓ ભાજપમાં સામેલ થવા જઈ રહ્યા છે. દિલ્હીમાં સંદીપ પાઠક અને અશોક મિત્તલ સાથે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના બે તૃતીયાંશ(2/3) સભ્યોએ ભારતીય બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને ભારતીય જનતા પાર્ટી(BJP) સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે. આ જાહેરાત બાદ રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે આટલી મોટી સંખ્યામાં સાંસદોના પક્ષપલટાથી વિપક્ષની સ્થિતિ પર ઊંડી અસર પડી શકે છે. રાઘવ ચઢ્ઢાએ એક અત્યંત ગંભીર અને ચોંકાવનારો ખુલાસો કરતા પક્ષ સાથેના તમામ સંબંધો તોડવાની જાહેરાત કરી છે. આ અંગે તેમણે કહ્યું કે, ‘આમ આદમી પાર્ટીને મેં મારા લોહી-પરસેવાથી સીંચી છે અને મારા જીવનના મહત્ત્વના 15 વર્ષ આપ્યા છે, તે પાર્ટી હવે તેના સિદ્ધાંતો, મૂલ્યો અને નૈતિકતાથી ભટકી ગઈ છે. હવે આ પાર્ટી દેશના હિતમાં નહીં, પણ પોતાના અંગત સ્વાર્થ માટે કામ કરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી મને સતત એવું લાગી રહ્યું હતું કે હું એક ખોટી પાર્ટીમાં ફસાઈ ગયેલો સાચો માણસ છું. એટલા માટે જ આજે હું મારી જાતને ‘આપ’થી અલગ કરી રહ્યો છું અને હવે જનતાની સેવામાં જોડાઈ રહ્યો છું, તેમજ મારી સાથે આમ આદમી પાર્ટીના બે તૃતીયાંશ (2/3) સાંસદો પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે.’

