Rajkot,તા.૧૧
Rajkot મહાનગરપાલિકાની જંગલેશ્વર ડિમોલિશન કામગીરીને લઈને બિલોમાં કથિત અનિયમિતતાનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. ડિમોલિશન બાદ વિવિધ ખર્ચના બિલો સામે સવાલો ઉઠી રહ્યા છે ત્યારે માત્ર ૧૦ કિલોમીટરની આવન-જાવન માટે રૂ.૬.૬૯ લાખનો ખર્ચ થયાની વિગતો સામે આવતા તંત્રની કામગીરી સામે વધુ એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. બીજી તરફ, સમગ્ર મામલાની તપાસ માટે રચાયેલી સમિતિને ૪૦ દિવસ પૂર્ણ થયા હોવા છતાં હજુ સુધી કોઈ સ્પષ્ટ પરિણામ સામે આવ્યું નથી. જંગલેશ્વર ડિમોલિશન કામગીરી દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓની અવરજવર માટે થયેલા ખર્ચના બિલોએ ચર્ચા જગાવી છે. માત્ર ઓફિસથી જંગલેશ્વર સુધીની આશરે ૧૦ કિલોમીટરની આવન-જાવન માટે રૂ.૬,૬૯,૭૬૮નો ખર્ચ દર્શાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આટલા ટૂંકા અંતર માટે આટલો મોટો ખર્ચ કેવી રીતે થયો તે અંગે હવે પારદર્શિતા અને બિલોની ચકાસણીને લઈને સવાલો ઉઠી રહ્યા છે.
જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચ અને બિલોમાં થયેલી કથિત ગેરરીતિઓની તપાસ માટે સમિતિની રચના કરવામાં આવી હતી. જોકે, સમિતિની રચનાને હવે લગભગ ૪૦ દિવસ થઈ ગયા છે, તેમ છતાં તપાસનું કોઈ સ્પષ્ટ તારણ કે જવાબદારી નક્કી થઈ નથી. પરિણામે સમગ્ર તપાસ પ્રક્રિયા સામે જ સવાલો ઊભા થયા છે.
મળતી વિગતો મુજબ, તપાસ સમિતિની રચના બાદ અત્યાર સુધીમાં બે વખત અધ્યક્ષ બદલવામાં આવ્યા છે. હાલ સમિતિની કામગીરી અને તેના નેતૃત્વને લઈને પણ અસ્પષ્ટતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. વારંવારના ફેરફારને કારણે તપાસની ગતિ ધીમી પડી હોવાની ચર્ચા છે.
ડિમોલિશન કામગીરી સાથે સંકળાયેલા અન્ય ખર્ચમાં ૧,૯૦૦ હેલ્મેટની ખરીદી પણ હવે ચર્ચાનો વિષય બની છે. મનપા દ્વારા આ હેલ્મેટ માટે કુલ રૂ.૪.૭૧ લાખની ચૂકવણી કરવામાં આવી હોવાનું જણાવાય છે. આ પ્રમાણે પ્રતિ હેલ્મેટ આશરે રૂ.૨૪૮નો ખર્ચ થયો હોવાનું ગણાય છે. આ ખરીદીના ભાવ અને જરૂરિયાતને લઈને પણ સવાલો ઊભા થયા છે.
જંગલેશ્વર ડિમોલિશન મામલે એક પછી એક ખર્ચની વિગતો સામે આવતા હવે સમગ્ર બિલિંગ પ્રક્રિયાની પારદર્શિતા ચર્ચાના કેન્દ્રમાં આવી છે. ડિમોલિશન કામગીરી ખરેખર કેટલા ખર્ચે થઈ અને અલગ-અલગ હેડ હેઠળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો તેની સંપૂર્ણ તપાસની માંગ ઉઠી રહી છે.
એક તરફ લાખો રૂપિયાના ખર્ચના બિલો સામે આવી રહ્યા છે, જ્યારે બીજી તરફ તપાસ સમિતિ લાંબા સમય બાદ પણ કોઈ અંતિમ તારણ સુધી પહોંચી શકી નથી. હવે સૌથી મોટો સવાલ એ છે કે કથિત અનિયમિતતાઓની તપાસ ક્યારે પૂર્ણ થશે અને જવાબદારી કોની નક્કી થશે? રાજકોટ મનપાની તપાસ સમિતિના અંતિમ અહેવાલ બાદ જ સમગ્ર મામલાની વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ થશે.

