હાલમાં દેશમાં ૨૦ કરોડથી વધુ ટૂ-વ્હીલર્સ અને ૩ કરોડથી વધુ પેટ્રોલ કારો ઈથેનોલ-બ્લેન્ડેડ ઇંધણ પર ચાલી રહી છે
New Delhi, તા.૧૧
જે ઈથેનોલને પેટ્રોલમાં ભેળવીને ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવા અને પ્રદૂષણ ઓછું કરવા માટે મોટું કદમ માનવામાં આવતું હતું, તે જ ઈથેનોલ ડીઝલમાં ભળતા જ સુરક્ષા સામે સવાલો ઊભા થઈ ગયા છે. ઈ૨૦ પેટ્રોલને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે કેન્દ્ર સરકારે ડીઝલમાં ઈથેનોલ બ્લેન્ડિંગને લઈને મહત્ત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. સરકારના જણાવ્યા અનુસાર, હાલમાં ડીઝલમાં ઈથેનોલ ભેળવવામાં નહીં આવે. ડીઝલમાં ઈથેનોલના ટેસ્ટિંગ બાદ સુરક્ષાના કારણોસર આ યોજનાને હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે.પેટ્રોલિયમ અને નૈસર્ગિક ગેસ રાજ્ય મંત્રી સુરેશ ગોપીએ રાજ્યસભામાં માહિતી આપતા જણાવ્યું હતું કે સરકારી ઓઇલ કંપનીઓએ પોતાના રિસર્ચ સેન્ટરો, ઓટોમોબાઈલ કંપનીઓ અને સર્ટિફાઈડ લેબ્સ સાથે મળીને ડીઝલમાં ઈથેનોલ બ્લેન્ડિંગનું પરીક્ષણ કર્યું હતું. આ તપાસમાં સામે આવ્યું કે ઈથેનોલ ભેળવવાથી ડીઝલનો ‘ફ્લેશ પોઇન્ટ’ (હ્લઙ્મટ્ઠજર ર્ૈઁહં) નોંધપાત્ર રીતે નીચો જતો રહે છે, જેના કારણે ઈથેનોલ-બ્લેન્ડેડ ડીઝલ નક્કી કરેલા સુરક્ષા ધોરણો પર ખરું ઊતરી શક્યું નથી.ફ્લેશ પોઇન્ટ એ કોઈપણ બળતણની સુરક્ષા સાથે જોડાયેલો એક અત્યંત મહત્ત્વનો પેરામીટર છે. સરળ ભાષામાં કહીએ તો, ફ્લેશ પોઇન્ટ એ લઘુત્તમ તાપમાન છે જેના પર ઇંધણમાંથી નીકળતી વરાળ હવામાં ભળીને બહારના કોઈ તણખા કે આગના સંપર્કમાં આવતા જ સળગી શકે છે. ફ્લેશ પોઇન્ટ જેટલો નીચો હશે, ઇંધણ એટલી જ ઝડપથી આગ પકડી લેશે. ડીઝલના સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટેશન અને ટેન્કરોમાંથી હેન્ડલિંગ દરમિયાન આનાથી આગ લાગવાનું મોટું જોખમ ઊભું થઈ શકે છે.પેટ્રોલમાં ઈથેનોલનું પ્રમાણ વધારવા અંગે સ્પષ્ટતા કરતા સરકારે કહ્યું કે, હાલમાં પેટ્રોલમાં ૨૦%થી વધુ ઈથેનોલ (ઈ૨૦) ભેળવવાનો કોઈ નિર્ણય લેવાયો નથી. ભવિષ્યમાં જો ઈથેનોલનું પ્રમાણ વધારવામાં આવશે, તો તે પહેલા વૈજ્ઞાનિક અને ટેકનિકલ સ્તરે ઊંડો અભ્યાસ કરવામાં આવશે તેમજ તમામ સંબંધિત પક્ષો સાથે ચર્ચા કરાશે. સરકારે ઈ૨૦ પેટ્રોલને સંપૂર્ણપણે સુરક્ષિત ગણાવ્યું છે. ે ઇન્ડિયન ઓઇલ જેવી સંસ્થાઓ દ્વારા કરાયેલા લેબ ટેસ્ટ અને ફીલ્ડ ટ્રાયલમાં એન્જિન લાઈફ, પરફોર્મન્સ અને ફ્યુઅલ એફિશિયન્સી જેવા તમામ પાસાઓ પર ઈ૨૦ યોગ્ય સાબિત થયું છે.સરકારના ડેટા અનુસાર, હાલમાં દેશમાં ૨૦ કરોડથી વધુ ટૂ-વ્હીલર્સ અને ૩ કરોડથી વધુ પેટ્રોલ કારો ઈથેનોલ-બ્લેન્ડેડ ઇંધણ પર ચાલી રહી છે. છેલ્લા ૩ વર્ષથી વધુ સમયથી ઈ૧૫+ અને ૨.૫ વર્ષથી વધુ સમયથી ઈ૧૯-ઈ૨૦ ફ્યુઅલનો ઉપયોગ થઈ રહ્યો છે. અત્યાર સુધી એવા કોઈ પ્રમાણિત પુરાવા મળ્યા નથી જેનાથી મોટા પાયે એન્જિન ખરાબ થવાને ઈથેનોલ બ્લેન્ડિંગ સાથે સીધું જોડી શકાય. આમ, સરકારે ડીઝલમાં ઈથેનોલ ભેળવવાનો રસ્તો હાલ બંધ કરી દીધો છે, જ્યારે પેટ્રોલમાં ઈ૨૦ જાળવી રાખ્યું છે.

