ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી દીપિકા પાંડે સિંહની પુત્રીનું એક કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં મોત
Ranchi, તા.૨૪
ઝારખંડ રાજ્યના જમશેદપુર જિલ્લાના દોમુહાની વિસ્તારમાં એક કાર અને ટ્રક વચ્ચે ભીષણ અથડામણ થતા કારમાં સવાર ચાર લોકોના દર્દનાક મોત નિપજ્યા. મૃતકોમાં ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી દીપિકા પાંડે સિંહની પુત્રી પણ સામેલ છે.
મળતી માહિતી મુજબ દોમુહાની પાસે કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ. અથડામણ એટલી ભયાનક હતી કે કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. આસપાસ હાજર લોકોને જાણ થતા અકસ્માત સ્થળે સ્થાનિકોની ભીડ ભેગી થવા માંડી.
અકસ્માતની જાણ થતા જ પોલીસ અને બચાવ ટુકડી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રેસ્ક્યૂ વર્ક શરૂ કર્યું હતું. જો કે આ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું. જેમાં મંત્રી દીપિકા પાંડે સિંહની પુત્રી પણ સામેલ છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. આ દર્દનાક અકસ્માતની જાણ થતા ઝારખંડના રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકની લહેર વ્યાપી છે. મંત્રીના પરિવાર અને નીકટના લોકોએ દીકરીના મોત પર દુખ વ્યક્ત કર્યું છે.
ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી ડો. ઈરફાન અંસારીએ પણ અકસ્માતમાં દુખ વ્યક્ત કર્યું. તેમણે સોશિયલ મીડિયા દ્વારા આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને તેમણે અકસ્માતને ખુબ જ દર્દનાક ગણાવ્યો. આ સાથે જ મંત્રી દીપિકા પાંડે સિંહની દીકરીના નિધન પર દુખ વ્યક્ત કર્યું. અકસ્માત કેટલો ગંભીર હશે તે એ વાતથી જ જાણી શકાય કે કારના તો ચીથરા ઉડી ગયા હતા. અકસ્માત કઈ પરિસ્થિતિમાં થયો તેના વિશે પોલીસ ભાળ મેળવી રહી છે. અત્રે નોંધનીય છે કે રાંચીમાં જ્યારે ત્નઁજીઝ્ર-ત્નજીજીઝ્ર વિદ્યાર્થીઓનું પ્રદર્શન થયું હતું ત્યારે મંત્રી દીપિકા પાંડે સિંહે વિદ્યાર્થીઓના સમર્થનમાં સરકારનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થીઓના લોકતાંત્રિક હકોનું સન્માન થવું જોઈએ. તેમણે પ્રશાસનને પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ, ટિયર ગેસ કે પેલેટ ગનનો ઉપયોગ ન કરવાની વાત કરી હતી. આ દરમિયાન સરકાર અને વિદ્યાર્થી પ્રતિનિધિઓ વચ્ચે પણ વાતચીત થઈ હતી. અનેક માંગણીઓ ચર્ચાઈ હતી. ૧૭ ઓગસ્ટે દીપિકા પાંડે સિંહ રાંચી હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં વિદ્યાર્થી નેતા દેવેન્દ્રનાથ મહતોને જ્યૂસ પીવડાવીને પારણા કરાવ્યા હતા.

