New Delhi,તા.19
ઇંડિયન પ્રીમિયર લીગની પ્લેઓફ રેસ હવે અંતિમ તબક્કામાં પ્રવેશી ગઈ છે અને ત્રણ ટીમોએ પોતાનું સ્થાન લગભગ સુરક્ષિત કરી લીધું છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુ પ્લેઓફમાં પહોંચનાર પ્રથમ ટીમ બની હતી.
જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદએ ચેન્નાઈ સામેની જીત બાદ પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. આ સાથે ગુજરાત ટાઇટન્સ પણ સત્તાવાર રીતે ક્વોલિફાય થઈ ગયું છે. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ ટૂર્નામન્ટમાંથી બહાર થઈ ગઈ છે. હવે ચોથા સ્થાન માટે પાંચ ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે.
પંજાબ કિંગ્સ માટે સ્થિતિ સરળ પણ શરતો ભરેલી છે. પંજાબ પાસે લખનૌ સામે એક મેચ બાકી છે અને તે જીતે તો 15 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. પરંતુ એટલું પૂરતું નહીં બને. પંજાબને આશા રાખવી પડશે કે રાજસ્થાન રોયલ્સ તેની બાકી બે મેચમાંથી ઓછામાં ઓછી એક હારે. સાથે જ કોલકાતા નાઈટ રાઈડર્સપણ એક મેચ ગુમાવે અથવા નેટ રન રેટમાં પાછળ રહી જાય. એટલે પંજાબ માટે જીત સાથે અન્ય પરિણામો પણ એટલા જ મહત્વપૂર્ણ બનશે.
રાજસ્થાન રોયલ્સ હાલ સૌથી મજબૂત દાવેદાર ગણાઈ રહી છે. ટીમ પાસે હજુ બે મેચ બાકી છે અને બંને જીતે તો સીધા 16 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પ્રવેશ મેળવી શકે છે. આવી સ્થિતિમાં તેને અન્ય કોઈ ટીમના પરિણામ પર નિર્ભર રહેવાની જરૂર નહીં પડે.
જોકે એક પણ હાર રાજસ્થાનને 14 પોઈન્ટ સુધી મર્યાદિત કરી દેશે અને પછી પંજાબ તથા કોલકાતાના પરિણામો પર તેની આશા ટકેલી રહેશે. તેથી રાજસ્થાન માટે દરેક મેચ હવે ફાઈનલ સમાન બની ગઈ છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ માટે માર્ગ સૌથી મુશ્કેલ દેખાઈ રહ્યો છે. ઓછા નેટ રન રેટ હોવા છતાં ચેન્નાઈને પોતાની છેલ્લી મેચ જીતવી ફરજિયાત છે. સાથે જ પંજાબને હારવી પડશે, રાજસ્થાન બંને મેચ હારે અથવા ઓછામાં ઓછી એક હાર પછી નેટ રન રેટનો મુદ્દો ઉભો થાય અને કોલકાતા પણ એક મેચ ગુમાવે – ત્યારે જ ચેન્નાઈની આશા જીવંત રહી શકે. એટલે સીએસકે માટે હવે દરેક ગણિત અન્ય ટીમોના પરિણામો સાથે જોડાયેલું છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે 12 મેચ પછી 11 પોઈન્ટ છે અને પ્લેઓફમાં પહોંચવા માટે તેને બાકી બંને મેચ જીતવી જ પડશે. ત્યારબાદ પંજાબ તેની છેલ્લી મેચ હારે અને રાજસ્થાન ઓછામાં ઓછી એક મેચ ગુમાવે તો કેકેઆર 15 પોઈન્ટ સાથે આગળ વધી શકે છે.
બીજી તરફ દિલ્હી કેપિટલ્સ ની શક્યતાઓ સૌથી ઓછી માનવામાં આવે છે. દિલ્હીને પોતાની મેચ જીતવી પડશે અને સાથે રાજસ્થાન બંને મેચ હારે, પંજાબ તથા ચેન્નાઈ પરાજિત થાય અને કોલકાતા મુંબઈ સામે હારી જાય – એવું કઠિન સમીકરણ બનશે ત્યારે જ દિલ્હીની ટીમ માટે પ્લેઓફનું દ્વાર ખુલ્લું રહી શકે છે.

