Jamnagar, તા.11
વૈશ્વિક ઊર્જા બજારમાં ચાલી રહેલી ભારે ઉથલપાથલ અને સંભવિત ઊર્જા સંકટને પહોંચી વળવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ દેશહિતમાં એક મોટું કદમ ઉઠાવ્યું છે.
કંપનીએ ભારતમાં ઇંધણ સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે તેની જામનગર સ્થિત વિશ્વની સૌથી મોટી રિફાઇનરીમાં LPG (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ)ના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કર્યો છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, વર્તમાન વૈશ્વિક અસ્થિરતા વચ્ચે સ્થાનિક બજારમાં આવશ્યક ઇંધણનો અવિરત પુરવઠો જાળવી રાખવો એ કંપનીની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
જામનગર રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ સંકુલમાં ઉત્પાદન ક્ષમતા વધારવા માટે કંપનીની ટેકનિકલ ટીમો 24 કલાક કાર્યરત છે, જેથી સામાન્ય જનતાને રાંધણ ગેસની અછતનો સામનો ન કરવો પડે.
રાષ્ટ્રીય ઊર્જા પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીને, રિલાયન્સે KG-D6 બેસિનમાંથી ઉત્પાદિત કુદરતી ગેસના વિતરણમાં પણ મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. હવે આ ગેસનો જથ્થો પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રો તરફ વાળવામાં આવશે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે દેશની ઊર્જા સુરક્ષા અને લાખો ભારતીય પરિવારોની સુખાકારી તેમના માટે નફા કરતા વધુ મહત્વની છે.
રિલાયન્સ આ મામલે ભારત સરકારના માર્ગદર્શિકા અને નિર્ધારિત નિયમોનું ચુસ્તપણે પાલન કરી રહી છે. કંપની સરકાર સાથે સતત સંપર્કમાં છે જેથી ઊર્જા પુરવઠો જરૂરિયાતમંદ વિસ્તારો અને સમુદાયો સુધી સમયસર પહોંચાડી શકાય.
‘વૈશ્વિક અનિશ્ચિતતાના આ સમયમાં રિલાયન્સ દેશની સાથે મજબૂત રીતે ઊભી છે. રાષ્ટ્રીય નિયમો અને ફાળવણીની પ્રાથમિકતાઓ મુજબ અમે આવશ્યક ઇંધણની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ.’

