Surendranagar, તા.20
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના આણંદપુર પોલીસે પવનચક્કીમાંથી થયેલી લાખોની કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. પોલીસે ગુંદા ગામની સીમમાંથી એક આરોપીને 4,50,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.
આઇનોક્ષ ગ્રીન એનર્જી સર્વિસ લિમિટેડ કંપનીની ગુંદા ગામની સીમમાં આવેલી લોકેશન નં. GGM-142 વાળી પવનચક્કીમાં અજાણ્યા તસ્કરોએ તોડફોડ કરી હતી. તસ્કરોએ આશરે 84,000 નું નુકસાન પહોંચાડી, 500 કિલો કોપર વાયર (કિંમત 5,00,000) અને એલ્યુમિનિયમ કેબલના ટુકડા (કિંમત 32,000) મળી કુલ 5,32,000 ના મુદ્દામાલની ચોરી કરી હતી.
આ અંગે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ- 303(2), 324(4) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.એસ. ભદોરીયાના માર્ગદર્શન હેઠળ આણંદપુર પોલીસ ઇન્સ્પેક્ટર જે.કે. રાઠોડ અને પો.સબ.ઇન્સ. ડી.ડી. ચુડાસમાની ટીમ તપાસમાં હતી.
પેટ્રોલીંગ દરમિયાન ગુંદા ગામની ચોકડી પાસે શંકાસ્પદ હાલતમાં મળી આવેલા અજીતભાઇ દેવાભાઇ ગાબુની અટકાયત કરી પૂછપરછ કરતા ચોરીનો ભેદ ઉકેલાયો હતો.
ઝડપાયેલ આરોપીનું નામ અજીતભાઇ દેવાભાઇ ગાબુ (ઉં.વ. 31, રહે. તાજપર, તા. ચોટીલા) છે. પોલીસે તેની પાસેથી 450 કિલો કોપર વાયર જપ્ત કર્યો છે, જેની કિંમત 4,50,000 આંકવામાં આવી છે. આ કેસમાં દિલીપભાઇ છગનભાઇ સોલંકી (રહે. ગુંદા, તા. ચોટીલા) નામનો અન્ય એક આરોપી વોન્ટેડ છે.
આ સફળ કામગીરીમાં આણંદપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.કે. રાઠોડ, પીએસઆઈ ડી.ડી. ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ ડી.એમ. પરાલીયા, કુલદીપભાઇ બોરીચા, દર્શનભાઇ ચૌહાણ અને સગ્રામભાઇ રબારી સહિતનો સ્ટાફ જોડાયો હતો. હાલ પોલીસ ફરાર આરોપીને પકડવા માટે વધુ તપાસ ચલાવી રહી છે.

