ખોટા દસ્તાવેજો બનાવી વીમા કંપનીને ચૂનો ચોપડ્યો; ત્રણેને ૫૦-૫૦ હજારનો દંડ ફટકાર્યો
Ahmedabad, તા.૧૩
વર્ષ ૨૦૦૧-૦૨માં ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ સાથે લાખોની છેતરપિંડી કરનાર સર્વેયર સહિત ૩ આરોપીઓને ખાસ સીબીઆઇ અદાલતે ૩-૩ વર્ષ કેદની સજા ફટકારી છે અને ૫૦-૫૦ હજારનો દંડ ફટકાર્યો છે. ચુકાદો આપતા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ નિલેશ એન. પાથરે નોંધ્યું હતું કે, ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ નિઃશંકપણે પૂરવાર કરે છે કે આરોપીઓએ કાવતરું રચી વીમા કંપની સાથે છેતરપિંડી કરી છે. એફ.એસ.એલ. રિપોર્ટ અને હેન્ડરાઈટિંગ એક્સપર્ટના અભિપ્રાય મુજબ દસ્તાવેજોમાં કરવામાં આવેલી સહીઓ બનાવટી હોવાનું સ્પષ્ટ થયું છે. વીમા કંપનીના અધિકારીઓએ તેમના સિનિયરના દબાણ હેઠળ કામ કરીને ગંભીર ભૂલો હોવા છતાં ખોટી રીતે ક્લેમની ફાઈલો તૈયાર કરી હતી, જે કાયદાની દ્રષ્ટિએ ગંભીર ગુનો છે. આ કેસની વિગત મુજબ, આરોપીઓએ વર્ષ ૨૦૦૧-૦૨ દરમિયાન મે. એમ.ડી. પટેલ એન્ડ કંપની અને નૈનેશ સૂર્યકાંત પટેલના નામે ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની, સુરત પાસેથી ફાયર ઇન્સ્યોરન્સ પોલિસી મેળવી હતી. આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું રચીને ઇલેક્ટ્રિક શોર્ટસર્કિટ અને ફટાકડાના કારણે આગ લાગી હોવાનું જણાવી તમાકુના નુકસાનનો ખોટો ક્લેમ રજૂ કર્યો હતો. આ માટે તેઓએ ખોટી એફ.આઈ.આર., ખોટા પંચનામા, ફાયર બ્રિગેડના બોગસ પ્રમાણપત્રો અને અન્ય બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. આ મામલે સીબીઆઇમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં આરોપી તરીકે જતીન ભાનુભાઇ જોશી (સર્વેયર), મધુસુદન ડી. ભાવસાર, વિજય અરવિંદભાઇ કાયસ્થ, રોનાલ્ડ અમરજીત જેમ્સ, નીલેશ ડી. પટેલ અને ઉમેશ વી. પટેલ દર્શાવવામાં આવ્યા હતા. આ કેસમાં સીબીઆઈના તપાસ કરનાર અધિકારી ટી. ગોપાલ નાયકે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે જે જગ્યાએ આગ લાગ્યાનું દર્શાવ્યું હતું ત્યાં વાસ્તવમાં કોઈ દુકાન કે ગોડાઉનનું અસ્તિત્વ જ નહોતું. આ કેસ ચાલવા પર આવતા ત્રણ આરોપી રોનાલ્ડ અમરજીત જેમ્સ, નીલેશ ડી. પટેલ અને ઉમેશ વી. પટેલનું ટ્રાયલ દરમિયાન અવસાન થતાં તેમની સામેનો કેસ પડતો મૂકવામાં આવ્યો હતો. જ્યારે સરકારી વકીલે એવી દલીલ કરી હતી કે, આખોય કેસ પુરવાર થાય છે, જ્યારે નિષ્ણાતો (સર્વેયર) પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે, ત્યારે તે જાહેર સંસ્થાઓ માટે મોટું નુકસાન છે. એફએસએલ રિપોર્ટ દ્વારા સાબિત થયેલ બનાવટી સહીઓ આ ગુનાહિત કાવતરાનો મુખ્ય પુરાવો બની છે, ત્યારે આવા આરોપીઓને સજા કરવી જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે જતીન ભાનુભાઇ જોશી (સર્વેયર), મધુસુદન ડી. ભાવસાર અને વિજય અરવિંદભાઇ કાયસ્થને ત્રણ-ત્રણ વર્ષ કેદની સજા ફટકારી છે.

