Ahmedabad,તા.15
અમદાવાદના વેજલપુરમાં રહેતી અને અભ્યાસ અર્થે જતી 20 વર્ષીય યુવતીનું આજે બપોરે સરખેજ-ધોળકા રોડ પર એક ગોઝારા અકસ્માતમાં મોત નીપજ્યું છે. નવી ફતેવાડી આઝાદનગર બસ સ્ટોપ પાસે એક બેકાબૂ અને પૂરઝડપે આવતા ડમ્પરે યુવતીના એક્ટિવાને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આ ટક્કરથી કાવ્યા રોડ પર પટકાઈ હતી અને ડમ્પર તેના પર ફરી વળતા માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા ડમ્પર ચાલક સામે પોલીસે ગુનો નોંધીને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજના આધારે આરોપીને પકડી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનામાં અકસ્માત સર્જીને અજાણ્યો ડમ્પર ચાલક ફરાર થઈ ગયો છે, જેને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો અનુસાર, વેજલપુરમાં ગીરા પાર્ક સામે આવેલા ભુમિકા એપાર્ટમેન્ટમાં રહેતી કાવ્યા સુનીલભાઈ પંડ્યા (ઉ.વ. 20) આજે બપોરે 12.45 વાગ્યે પોતાના એક્ટિવા પર ધોળકાના ચલોડા ખાતે આવેલી રાઈ યુનિવર્સિટીમાં જઈ રહી હતી. તે દરમિયાન સરખેજ-ધોળકા રોડ પર નવી ફતેવાડીના આઝાદનગર બસ સ્ટોપ પાસેથી પસાર થતી વખતે પાછળથી બેફામ સ્પીડે આવેલા ડમ્પર ચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી.

