New Delhi,તા.26
દેશમાં આ વર્ષે ફેબ્રુઆરીના મધ્યથી જ જે રીતે ગરમીનો પારો ઉંચો ચડી રહ્યો છે તેથી `હોળી’માં ઠંડીની અપેક્ષા રાખવામાં આવતી નથી અને દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો અત્યારથી જ 30 ડીગ્રી કે તેની ઉપર ચાલ્યો ગયો છે જે હાલના સમયમાં સામાન્યથી 3થી7 ડીગ્રી ઉંચુ તાપમાન ગણવામાં આવે છે અને તેના માટે ગ્લોબલ વોર્મિંગ સહિતના અનેક કારણોને જવાબદાર ગણવામાં આવે છે.
ગત વર્ષના હવામાનના એક રિપોર્ટ મુજબ આ વર્ષે દિવસ અને રાત્રીના તાપમાનમાં વધારો સરેરાશ કરતા વધુ હશે અને તેની અવધી પણ લાંબી હશે. ફેબ્રુઆરી અને માર્ચનું પ્રથમ સપ્તાહ ગરમી ઠંડી માટે જાણીતું હોય છે અને હોળી બાદ ગરમીનો પારો ઉંચો જવા લાગે છે પણ હવે તાપમાન નિષ્ણાંતો કહે છે કે માર્ચ માસમાંજ લુનો અનુભવ થવા લાગે તો આશ્ચર્ય થશે નહી.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેટ ચેંજનો આ પ્રભાવ છે. જેના કારણે ફેબ્રુઆરી માસમાંજ ઠંડી અચાનક જ ગાયબ થઈ છે અને ગરમી આવી ગઈ છે તેમજ લઘુતમ અને મહતમ તાપમાન બન્ને વધવા લાગ્યા છે અને માર્ચથી છેક જૂનના મધ્ય સુધી ગરમીનો પારો ઉંચો જ રહેશે.
ખાસ કરીને મધ્ય પુર્વ તથા ઉતર પશ્ચીમમાં લુના દિવસો વધશે જે 6થી10 દિવસ અત્યંત તિવ્ર હશે. ભારતમાં ગરમી વધવાનું છેક 1901 થી શરૂ થયુ છે પણ 2016-2025નો ગાળો અલનીનોના પ્રભાવથી આ દશકો સૌથી ગરમ રહ્યો છે. 2024માં સૌથી લાંબુ હીટવેવ અને રાજસ્થાનમાં તો 50 ડીગ્રી સેલ્સીયસ સુધી તાપમાન પહોંચી ગયું હતું અને આ વર્ષે મેદાની ક્ષેત્રમાં પારો હાલથી જ 3-4 ડીગ્રી વધુ હશે એ નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થોડી રાહત એક-બે દિવસ આપી શકે છે.
ભારત 100 વર્ષમાં તાપમાન સરેરાશ 0.8 ડીગ્રી સેલ્સીયસ વધુ છે. ગ્લોબલ વોર્મિંગથી ઠંડીની ઋતુ ઘટતી જાય છે અને ગરમી લાંબી થતી જાય છે. વસંત ઋતુ તો કાયમી ગાયબ થઈ હોય તેવું દ્રશ્ય છે તો મોટા શહેરો જ નહી હવે મોટાભાગના ક્ષેત્રોમાં સિમેન્ટ કોંક્રીટની ઈમારતો વૃક્ષોનું ઘટવુ અને કાર્બન ઉત્સર્જન કરે તેવા વાહનો, એરકન્ડીશન્ડનો વધતો ઉપયોગ હવે રાત્રીના તાપમાનને પણ ઘટાડતા નથી.
આમ મૌસમની પેટર્ન જ બદલી છે. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ખૂબજ કમજોર બની ગયો છે તથા વરસાદ હીમવર્ષાના ગાળો ઘટતા આકાશ સ્વચ્છ રહે છે. જેથી સુરજના કિરણો વધુ સમય ધરતી પર પડે છે.
દિલ્હીથી અમદાવાદમાં ગઈકાલનું 31થી 36 ડીગ્રી નોંધાયુ છે જે 3થી7 ડીગ્રી વધુ છે. રાજસ્થાનમાં રાત્રીનું તાપમાન 20 ડીગ્રી પહોંચી ગયું છે.
દેશમાં સતત સારા ચોમાસા બાદ હવે આ વર્ષે નૈઋત્યનું ચોમાસુ નબળુ હોવાની આશંકા છે. પ્રશાંત મહાસાગરમાં ખારાશ વધી છે જે અલનીનોને મજબૂત બનાવી શકે છે તેની સીધી અસર ભારતના આગામી ચોમાસા સુધી પહોંચી શકે છે.
પેસીફીક સમુદ્રમાં ખારાશના આધારે હવે અલનીનોની સ્થિતિ નિશ્ચિત કરવામાં આવી રહી છે. અલનીનો એ ભારતના ચોમાસા પર અસર કરશે અને તે ઓગષ્ટથી ઓકટોબર સુધી હશે.
જીયોફીઝીકલ રીસર્ચ લેટર જર્નલના ડયુક યુનિ.ના અભ્યાસ મુજબ પ્રશાંત મહાસાગરમાં ખારાશની પેટર્ન અલનીનોની અસર 20% વધારી શકે છે અને તેનાથી વધુ એ અલનીનોની સ્થિતિનું આવાગમન ડબલ કરી શકે છે.
મહાસાગરની ધારા નમકીન કે મીઠી આ તમામ અલનીનો- લા-નીનોની સ્થિતિને અસર કરે છે. અલ નીનોના ભારતમાં પ્રભાવ જાણીતો છે તે ચોમાસાને નબળુ પાડી શકે છે. દુષ્કાળ સુધીની સ્થિતિ લાવી શકે છે.

