(લેખકઃ ચંદ્રવદન ધ્રુવ)
ડિજિટલ યુગમાં ટેકનોલોજી જ્યાં એક તરફ માનવજીવનને સરળ બનાવી રહી છે, ત્યાં બીજી તરફ તેના દુરૂપયોગથી નવા પ્રકારના ગુનાઓ પણ ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિકાસ સાથે “ડીપફેક” નામની ટેકનોલોજી આજના સમયમાં સાયબર ક્રાઈમનું એક ગંભીર હથિયાર બની રહી છે.ડીપફેક ટેકનોલોજી દ્વારા કોઈપણ વ્યક્તિનો ચહેરો, અવાજ અથવા વિડિયો એટલો વાસ્તવિક રીતે નકલી બનાવી શકાય છે કે સામાન્ય માણસ માટે સાચું અને નકલી વચ્ચેનો ફરક સમજવો મુશ્કેલ બની જાય છે.
તાજેતરના સમયમાં ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને છેતરપિંડીના અનેક બનાવો સામે આવ્યા છે. ઠગો સોશિયલ મીડિયા અથવા અન્ય ડિજિટલ માધ્યમોથી વ્યક્તિની તસવીરો અને અવાજ એકત્રિત કરીને તેને આધારે નકલી વિડિયો અને ઓડિયો તૈયાર કરે છે. ત્યારબાદ તે વિડિયો અથવા કોલ દ્વારા વ્યક્તિના પરિવારજનો, મિત્રો અથવા સહકર્મચારીઓને સંપર્ક કરીને તાત્કાલિક નાણાંની જરૂરિયાત દર્શાવે છે. આ પ્રકારની છેતરપિંડીમાં શિકાર વ્યક્તિ પોતાના નજીકના માણસનો અવાજ અથવા ચહેરો જોઈને તરત વિશ્વાસ કરી લે છે અને પરિણામે મોટી આર્થિક નુકશાની ભોગવવી પડે છે.
કેટલાક કેસોમાં, કંપનીઓના ઉચ્ચ અધિકારીઓના નકલી વિડિયો બનાવી કર્મચારીઓને તાત્કાલિક ફંડ ટ્રાન્સફર કરવાની સૂચના આપવામાં આવી છે. આ પ્રકારની ઘટનાઓ દર્શાવે છે કે ડીપફેક ટેકનોલોજી માત્ર વ્યક્તિગત સ્તર સુધી સીમિત નથી, પરંતુ વ્યાપારી અને સંસ્થાકીય સ્તરે પણ ગંભીર જોખમ ઊભું કરી રહી છે. નિષ્ણાતોના મતે, આવનારા સમયમાં આ ટેકનોલોજી વધુ વિકસિત બનશે અને તેનો દુરૂપયોગ વધવાની શક્યતા પણ વધારે છે.
આ પરિસ્થિતિમાં સામાન્ય નાગરિકો માટે સાવચેત રહેવું અત્યંત જરૂરી બની ગયું છે. કોઈપણ અજાણી અથવા શંકાસ્પદ વિડિયો કોલ, મેસેજ અથવા અવાજ પર તરત વિશ્વાસ ન કરવો જોઈએ. ખાસ કરીને જ્યારે નાણાં સંબંધિત માંગ કરવામાં આવે ત્યારે તે માહિતીની ખાતરી માટે સંબંધિત વ્યક્તિને અન્ય માધ્યમ દ્વારા સંપર્ક કરવો જરૂરી છે. ઉપરાંત, સોશિયલ મીડિયા પર વ્યક્તિગત માહિતી, ફોટા અને વિડિયો મર્યાદિત પ્રમાણમાં જ શેર કરવા જોઈએ જેથી તેનો દુરૂપયોગ થવાની શક્યતા ઘટે.
સાયબર ક્રાઈમના આવા બનાવોમાં કાનૂની કાર્યવાહી પણ મહત્વપૂર્ણ છે. કોઈપણ પ્રકારની સાયબર છેતરપિંડીનો ભોગ બન્યાની સ્થિતિમાં તરત જ ફરિયાદ નોંધાવવી જોઈએ, જેથી તપાસ સમયસર શરૂ થઈ શકે અને નુકશાન ઓછું થઈ શકે. સરકાર દ્વારા ઉપલબ્ધ સાયબર ક્રાઈમ હેલ્પલાઇન અને ઑનલાઇન પોર્ટલનો ઉપયોગ કરીને પણ ફરિયાદ કરી શકાય છે.
અંતમાં, ટેકનોલોજીનો ઉપયોગ જેટલો જરૂરી છે, તેટલું જ તેના જોખમોને સમજવું પણ મહત્વપૂર્ણ છે. ડીપફેક જેવી અદ્યતન ટેકનોલોજી આપણને એક નવી ચેતવણી આપે છે કે હવે માત્ર સાંભળેલું કે જોયેલું જ નહીં, પરંતુ તેની સત્યતા પણ તપાસવી પડશે. આવનારા સમયમાં “આંખે જોયેલું પણ સાચું છે કે નહીં?” એ પ્રશ્ન દરેક નાગરિક માટે મહત્વપૂર્ણ બની શકે છે.

