New Delhi, તા. 13
દેશમાં કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત અને ઉપલબ્ધ સુવિધા વચ્ચે મોટો તફાવત સામે આવ્યો છે. 9 ફેબ્રુઆરી સુધી દેશભરમાં 61,668 દર્દીઓ કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્યાં હતાં, જ્યારે વર્ષ 2024માં કુલ 13,476 કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા હતા.
આમાંથી 11,558 ટ્રાન્સપ્લાન્ટ જીવંત ડોનર (દાતા) તરફથી અને 1,918 મૃત ડોનર તરફથી થયા હતા. એટલે કે એક વર્ષમાં જેટલા ટ્રાન્સપ્લાન્ટ થયા, તેની સરખામણીમાં લગભગ 5 ગણા દર્દીઓ વેઇટિંગ લિસ્ટમાં છે.
સંસદીય સમિતિએ આને કિડની ટ્રાન્સપ્લાન્ટની માંગ અને ઉપલબ્ધ ક્ષમતા વચ્ચેનો મોટો તફાવત ગણાવ્યો છે. સંસદીય સમિતિએ ટ્રાન્સપ્લાન્ટ પછી દવાઓ મફત આપવાની ભલામણ કરી છે.
સમિતિએ આ તફાવતને ઘટાડવા માટે દરેક મોટા રાજ્યનાં ઓછામાં ઓછા 3 સરકારી મેડિકલ કોલેજોમાં ઓર્ગન રિટ્રાઇવલ સેન્ટર (અંગ પુનઃપ્રાપ્તિ કેન્દ્ર) અને કિડની ટ્રાન્સપ્લાન્ટની સુવિધા વિકસાવવા માટે સમયબદ્ધ લક્ષ્ય નક્કી કરવાની ભલામણ કરી છે.
રાજ્યોને ટ્રાન્સપ્લાન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે નાણાકીય મદદ આપવાની ભલામણ કરવામાં આવી છે. સમિતિએ સમગ્ર ક્રોનિક કિડની ડિસીઝ (લાંબા ગાળાની કિડનીની બીમારી)ના ઈલાજ માટે ફરજિયાત હેલ્થ ઈન્સ્યોરન્સની સંભાવનાઓ ચકાસવાની ભલામણ કરી છે.
મહિલાઓ વધુ ડોનર, પુરુષોમાં વધુ ટ્રાન્સપ્લાન્ટ
NOTTO એટલે કે નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશનના 2019 થી 2023 ના આંકડા અનુસાર, લિવિંગ ઓર્ગન ડોનર (જીવંત અંગદાતા) માં 63.8 ટકા મહિલાઓ હતી, જ્યારે ટ્રાન્સપ્લાન્ટ મેળવનારાઓમાં 69.8 ટકા પુરુષો હતા.
સમિતિએ કહ્યું છે કે આ તફાવત પાછળ માત્ર બીમારી સંબંધિત કારણો છે કે પછી સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, નાણાકીય અને જેન્ડર (લિંગ) સંબંધિત અવરોધો પણ જવાબદાર છે તે વિચારવું જોઈએ.

