Ahmedabad,તા.24
અમદાવાદ જિલ્લાના વિરમગામ-નળ સરોવર રોડ પર આજે (24મી એપ્રિલ) એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહને બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈક પર સવાર એક જ પરિવારના ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, એક પરિવારના ત્રણ સભ્યો બાઈક પર સવાર થઈને નળ સરોવર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલા અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે બાઈકનો કુરચો બોલી ગયો હતો અને તેમાં સવાર ત્રણેય લોકોએ સ્થળ પર જ દમ તોડ્યો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. અકસ્માતને પગલે એવા દૃશ્યો સર્જાયા હતા કે અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણ લોકોના લોહીથી રસ્તો પણ રંગાઈ ગયો હતો.

