બીજી ક્રિપ્ટો કંપનીઓ ક્રિપ્ટોના ઘટાડાની ચાલ જોઈ ડેટા સેન્ટર તરફ વળી ગઈ, પરંતુ એરિક નિષ્ફળ ગયો
Washington તા.૧૧
અમેરિકન પ્રમુખ ટ્રમ્પના પુત્ર એરિક ટ્રમ્પે ક્રિપ્ટોમાં ૬૦ કરોડ ડોલર એટલે કે ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી છે. એરિક ટ્રમ્પે ગયાવ ર્ષે અમેરિકન બિટકોઇન કોર્પ નામની ખોલેલી કંપની મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે. ચાલુ વર્ષે બિટકોઇન એટલે કે ક્રિપ્ટોકરન્સીમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. તેના પગલે કંપનીનો શેર પણ તેના ટોચ પરથી ૯૫ ટકા જેટલો નોંધપાત્ર ઘટયો છે.બ્લૂમબર્ગના જણાવ્યા મુજબ ડિજિટલ કરન્સીના મૂલ્યમાં ઘટાડો થતાં બધી ક્રિપ્ટોકરન્સી પટકાઈ છે. ગયા વર્ષે એરિક ટ્રમ્પે સાતમી જુલાઈના રોજ બીટીસી ૮,૦૦૦ની સપાટી વટાવી ગયુ હતુ તેની જાહેરાત કરી હતી. આજે તેનું સ્તર ક્યાં છે તેની જાણ કરતાં પણ તે ખચકાય છે. ટ્રમ્પના ઉત્સાહ છતાં અમેરિકન બિટકોઇને આ વર્ષે પ્રથમ ક્વાર્ટરમાં ૧૦ કરોડ ડોલરનું મૂલ્ય ગુમાવ્યું છે.આના પગલે એરિક ટ્રમ્પની માલિકીની કંપનીના શેરનો ભાવ પણ પ્રતિ શેર ૧૪૦ ડોલરની ટોચથી ઘટીને છ ડોલર પર આવી ગયો છે. તેના કારણે ટ્રમ્પના પુત્ર એરિકને મોટો ફટકો પડયો છે. જો કે એકબાજુએ ટ્રમ્પે ક્રિપ્ટોકરન્સીમાંથી જ ૧.૪ અબજ ડોલરની આવક રળી હોવાનું તેના જાહેર કરવામાં આવેલા નાણાકીય દસ્તાવેજોમાં જણાવાયું છે.બ્લૂમબર્ગના જણાવ્યા મુજબ કંપનીએ તીવ્ર ઘટાડાના પગલે નાસ્ડેક લિસ્ટિંગ જાળવી રાખવા આ સપ્તાહે વન ફોર ફિફટીન રિવર્સ સ્ટોક સ્પ્લિટ કરવાની ફરજ પડી છે. આ બતાવે છે કે લોકો ક્રિપ્ટોમાં ઘટાડો આવે ત્યારે કેટલી ઝડપથી રોકાણ ઘટાડે છે. એરિક ટ્રમ્પ અમેરિકન બિટકોઇનમાં છ ટકા હિસ્સો ધરાવે છે. આ ક્રિપ્ટો સાહસ ફક્ત ક્રિપ્ટો ખરીદી અને વેચાણ તથા ક્રિપ્ટો માઇનિંગની સીધીસાદી વ્યૂહરચના પર બન્યું હતું. પરંતુ મંદીના સમયમાં તેનું વેચાણ કરવું અત્યંત કપરું બની ગયું છે.બિટકોઇનમાં કડાકો બોલતા રોકાણકારોએ તેમને એઆઈ સાથેના કારોબારને સલામતી આપી શકે તેવા વિકલ્પ તરફ નજર દોડાવી. ઉદાહરણ તરીકે જોઈએ તો રાયોટ પ્લેટફોર્મ્સ, સાઇફર ડિજિટલ, મારા હોલ્ડિંગ અને ટેરાવુલ્ફે ડેટા સેન્ટરની જાહેરાત કરી હતી. તેના પગલે તેમના શેર આ વર્ષે ૬૦ ટકા જેટલા વધ્યા છે. પરંતુ અમેરિકન બિટકોઇન આ વર્ષે ૭૭ ટકા ઘટયો છે.

