Mumbai,તા.15
વર્ષ 2026 ના પહેલા ત્રણ મહિના વીતી ચૂક્યા છે અને આ ત્રિમાસિક ગાળામાં ભારતીય દર્શકોએ પોતાના મનપસંદ ટેલિવિઝન શોઝને ભરપૂર પ્રેમ આપ્યો. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલના 12 અઠવાડિયા 3 જાન્યુઆરી થી 27 માર્ચનો ટીઆરપી રિપોર્ટ જણાવે છે કે નાના પડદાના દર્શકોનું દિલ આજે પણ જૂના સંબંધો અને હાઈ વોલ્ટેજ ડ્રામા માટે ધબકે છે.
આ ક્વાર્ટરમાં ’ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી 2’ એ એકતરફી બાદશાહત કાયમ રાખી, જ્યારે ’અનુપમા’ અને ’નાગિન 7’ જેવા જૂના શોઝ પણ ટોપ 10 ની દોડમાં આગળ રહ્યા. બીજી તરફ, કેટલાક નવા ચહેરાઓએ પણ પોતાની દમદાર એન્ટ્રીથી મોટા દિગ્ગજોને ચોંકાવી દીધાં.
આ શોઝનો રહ્યો દબદબો
આ ત્રિમાસિક ગાળામાં ટેલિવિઝન પર કેટલાક જૂના શોઝનો દબદબો જોવા મળ્યો. સ્મૃતિ ઈરાની સ્ટારર ટીવી શો ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી 2 સરેરાશ 2.1 ના રેટિંગ સાથે છેલ્લા 12 અઠવાડિયામાંથી 10 અઠવાડિયા ટોપ પર રહ્યો. ભલે નવા શો આવે કે જૂના, આ શોએ પોતાની ટોપ પોઝિશન સુરક્ષિત રાખી. બીજી તરફ રૂપાલી ગાંગુલીનો શો અનુપમા પણ દર્શકો વચ્ચે મજબૂત સ્થિતિમાં જોવા મળ્યો.
ઘરેલું મૂંઝવણો અને મહિલા સશક્તિકરણની આ વાર્તાએ દર્શકોને દર અઠવાડિયે જકડી રાખ્યા. પ્રથમ ક્વાર્ટરમાં આ શો 12 અઠવાડિયામાંથી 11 અઠવાડિયા ટોપ 3 માં સામેલ રહ્યો. આ દરમિયાન શો 1.8 થી 2.2 સુધી રેટિંગ મેળવવામાં સફળ રહ્યો.
આને ટક્કર આપનારો ઉભરતો શો રહ્યો ’તુમ સે તુમ તક’. શરદ કેલકર (આર્યવર્ધન) અને નિહારિકા ચોક્સી (અનુ) ની જોડી દર્શકોને એટલી પસંદ આવી કે 7 માં અને 8 માં અઠવાડિયે આ નવા શોએ બીજા સ્થાન પર કબજો કરી અનુપમાને નંબર 3 પર ધકેલી દીધો. આ રોમેન્ટિક ડ્રામા ધારાવાહિકની વાર્તા ચાંદની ચોકની રહેવાસી મધ્યમવર્ગીય છોકરી અનુ અને તેનાથી ઉંમરમાં મોટા એક સફળ ઉદ્યોગપતિ આર્યવર્ધનની આસપાસ વણાયેલી છે.
તેની વધતી લોકપ્રિયતાથી એ સાબિત થઈ ગયું છે કે શરદ કેલકર ફિલ્મો અને વેબ સિરીઝમાં પોતાનો જલવો બતાવ્યા બાદ નાના પડદા પર પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યાં છે.
નાગિનની ઉથલપાથલ અને નવા શોઝનો દેખાયો જલવો
શરૂઆતનાં અઠવાડિયામાં ફેન્ટેસી શો નાગિન 7 એ શાનદાર પ્રદર્શન કર્યું. શરૂઆતના 6 અઠવાડિયા સુધી આ શો ટોપ 3 માં સામેલ હતો, જેમાં જાન્યુઆરીમાં એકવાર આ શો 2.4 રેટિંગ સાથે ટોચ પર પણ પહોંચ્યો.
પરંતુ, જેમ જેમ અઠવાડિયા વીત્યા, શોના રેટિંગમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા અને 10માં અઠવાડિયે તે 5માં સ્થાન પરથી લપસીને 10માં સ્થાને આવી પહોંચ્યો. જોકે પછીના અઠવાડિયામાં તેના રેટિંગમાં સુધારો જોવા મળ્યો.
આ દરમિયાન કેટલાક નવા શોઝ જેવા કે મિસ્ટર એન્ડ મિસિસ પરશુરામ, વસુધા અને જગદ્ધાત્રી એ ટોપ 10 માં પોતાની જગ્યા બનાવી. બીજી તરફ ટીવી શો ગંગા માઈ કી બેટિયાં એ સતત પોતાની ટીઆરપીમાં સુધારો કરતા મોટા શોઝને કડક પડકાર આપ્યો.

