Junagadh , તા.16
જૂનાગઢ તાબેના વિજાપુર ગામે રહેતા શખ્સને પોલીસની ખોટી ઓળખ આપી રાજકોટ અને મોબાઇલ ધારક શખ્સે મોબાઇલ અને વોટ્સએપમાં અવાર-નવાર ગાળો ભાંડી વોરંટ કઢાવી પુરી દેવા અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
વિજાપુર ગામે સોડવદર રોડ પર રહેતા નયનભાઇ જેન્તીભાઇ મોરવાડીયાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી મનીષ ધનજી ડેડાણીયા (રહે. વેલનાથપરા રાજકોટ) અને પોલીસની ખોટી ઓળખ આપનાર જીજ્ઞેશ મો.નં. 77780 75755)વાળા બંનેએ ગત તા.25-2-26થી અવાર-નવાર ફોનમાં ગાળો ભાંડી વોટ્સએપમાં પોલીસની ઓળખ આપનાર જીજ્ઞેશએ વોરંટ કઢાવી પકડી લેવાની અને મારી નાખવાની ધમકી આપતો હોવાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
યુવાનનો આપઘાત
વંથલીના મોટા કાજલીયાળા ગામે રહેતા યુવાન જગદીશ રમેશભાઇ મણવર (ઉ.વ. 27)એ ગઇકાલે કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે છતની હુંકમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઇ લેતા મોત નોંધાતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.
વંથલી પોલીસે તપાસ હાથ ધરી છે. જૂનાગઢના ડુંગર ગામે રહેતા સવિતાબેન પરસોતમભાઇ બાહુકીયા (ઉ.વ.45) અને તેમના પતિ પરસોતમભાઇ સાથે ઘરની નાની-મોટી બાબતોમાં ઝઘડો થતાં સવિતાબેનએ ઝેરી દવા પી લેતા પ્રાઇવેટ હોસ્પીટલે સારવાર દરમ્યાન મોત નોંધાતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

