Washington, તા.18
અહીં એક એર શો દરમિયાન બે લડાયક વિમાન આકાશમાં એક બીજા સાથે જોરદાર ટકરાઇને ક્રેશ થયા હતા. સદ્નસીબે બન્ને વિમાનમાં કુલ 4 પાયલોટનો આ અકસ્માતમાં ચમત્કારીક બચાવ થયો હતો અને ટક્કર બાદ પેરાશૂટથી નીચે ઉતર્યા હતાં.
અમેરિકાના ‘માઉન્ટેન હોમ એરફોર્સ બેઝ’ ખાતે યોજાયેલા એક પ્રખ્યાત એર શો દરમિયાન એક અત્યંત ભયાનક અકસ્માત સર્જાયો છે. આકાશમાં સ્ટંટ અને કરતબ બતાવી રહેલા યુએસ નેવી/એરફોર્સના બે અત્યાધુનિક EA-18G ગ્રાઉલર લડાકુ વિમાનો વચલા આસમાને એકબીજા સાથે પ્રચંડ વેગે અથડાયા હતા.
આ ટક્કર એટલી જોરદાર હતી કે હવામાં જ બંને વિમાનોના ટુકડે-ટુકડે થઈ ગયા હતા અને આખું વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. આ ભયાનક અકસ્માતનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં વિમાનો હવામાં જ તૂટતા જોઈ શકાય છે.
જો કે, આ કાળજું કંપાવનારા દ્રશ્યો વચ્ચે એક મોટો ચમત્કાર થયો હતો. વિમાનો અથડાવાની બરાબર થોડી જ સેક્નડોમાં હવામાં ચાર પેરાશૂટ ખુલતા જોવા મળ્યા હતા. બંને વિમાનોમાં સવાર કુલ 4 ક્રૂ મેમ્બર્સ (પાયલોટ) સમય સૂચકતા વાપરીને વિમાન ક્રેશ થાય તે પહેલાં જ સફળતાપૂર્વક ઇજેક્ટ થઈ ગયા હતા અને તેઓ સંપૂર્ણ સુરક્ષિત રીતે જમીન પર ઉતરી આવ્યા હતા.

