Indore,તા.2
મધ્યપ્રદેશના ઈન્દોરમાં દૂષિત પાણી પીવાથી થયેલા અનેક લોકોના મોત બાદ ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ આક્રમક વલણ અપનાવ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની નારાજગી વ્યક્ત કરતા તેમણે આ ઘટનાને સરકાર અને સમગ્ર વહીવટીતંત્ર માટે શરમજનક ગણાવી છે.
ઉમા ભારતીએ પલટવાર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, ‘વર્ષ 2025ના અંતમાં ઈન્દોરમાં ગંદા પાણીથી થયેલા મોત આપણી સરકાર અને વ્યવસ્થાને કલંકિત કરી ગયા છે. દેશના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મેળવનારા શહેરમાં આટલી ગંદકી અને ઝેરી પાણી ક્યાંથી આવ્યું? આ પાણીએ અનેક જિંદગીઓ છીનવી લીધી છે અને મોતના આંકડા હજુ પણ વધી રહ્યા છે.’
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા 2 લાખ રૂપિયાના વળતર અંગે ઉમા ભારતીએ આકરા શબ્દોમાં ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, ‘કોઈની જિંદગીની કિંમત માત્ર 2 લાખ રૂપિયા ન હોઈ શકે. પરિવારજનો આખી જિંદગી દુઃખમાં રહે છે. આ પાપનું ઘોર પ્રાયશ્ચિત કરવું પડશે અને પીડિતોની માફી માંગવી પડશે.’

