Vadodara, તા.૧૧
વડોદરાની ગુજરાત રિફાઇનરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે આગ લાગી હતી જેને પગલે આસપાસના વિસ્તારોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. પ્રાથમિક તબક્કે મળતી માહિતી મુજબ, એક ટેન્કમાં જોરદાર બ્લાસ્ટ થવાથી આસપાસના એક કિલોમીટર વિસ્તારમાં આવેલા મકાનોના બારી બારણા ધણ ધણી ઉઠ્યા હતા. જેથી ગભરાયેલા લોકો બહાર નીકળી આવ્યા હતા. આ વખતે આસપાસના પાંચ કિલોમીટર વિસ્તારમાં રિફાઇનરી માંથી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા અને ફાયર બ્રિગેડ તેમજ પોલીસના વાહનો દોડાદોડી કરતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે વડોદરા ફાયર બ્રિગેડનો સંપર્ક કરતા તેમની કોઈ મદદ લેવામાં આવી નહીં હોવાનું જણાવાયું હતું. બનાવના સ્થળે રિફાઇનરીના ફાયર ફાઈટર આગ કાબુમાં લેવા કામે લાગ્યા હતા અને આગને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધરાયા હતા.