New Delhi,તા.09
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 ની 13મી મેચ 8 એપ્રિલના રોજ ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. વરસાદને કારણે મેચ ફક્ત 11 ઓવરની થઈ ગઈ હતી. રાજસ્થાને આ મેચ 27 રનથી જીતી હતી, જે આરઆર માટે સતત ત્રીજી જીત હતી. વૈભવ સૂર્યવંશીએ રાજસ્થાન રોયલ્સની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ મુંબઈ ઈન્ડિયન્સ સામે ધમાકેદાર ઇનિંગ રમી. તેણે દિગ્ગજ જસપ્રીત બુમરાહ સામે પણ પોતાનો ગેમ પ્લાન બદલ્યો નહીં, તેણે પોતાની પહેલી ઓવરમાં બે છગ્ગા ફટકાર્યા. વૈભવે મુંબઈ સામે માત્ર 14 બોલમાં 39 રન બનાવ્યા. વૈભવ સૂર્યવંશીએ 278.57 ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી, ઇનિંગમાં પાંચ છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો.
મુંબઈ ઈન્ડિયન્સ પર રાજસ્થાન રોયલ્સની જીત બાદ, વૈભવ સૂર્યવંશીએ લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક ખાસ પોસ્ટ શેર કરી. તેણે મેચના કેટલાક ફોટા શેર કર્યા અને લખ્યું, “તમારા સમર્થન બદલ આભાર.”

