New Delhi તા.1
કેન્દ્ર સરકારે ગ્રામીણ રોજગાર વ્યવસ્થામાં મોટો ફેરફાર કરીને વિકસીત ભારત-ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) અધિનિયમ 2025 (વીબી-જી રામ જી એકટ)ને આજથી એટલે કે 1 જુલાઈથી લાગુ કરી દીધો છે.
આ સાથે જ સરકારે નવી ગ્રામીણ રોજગાર યોજના અંતર્ગત મજૂરીના ભાવોમાં પણ વધારો કર્યો છે. હવે દેશમાં સરેરાશ દૈનિક મજૂરી 298.8 રૂપિયાથી વધીને 327.4 રૂપિયા થઈ ગઈ છે એટલે કે સરેરાશ 28.6 રૂપિયાનો વધારો કર્યો છે.
ગ્રામીણ વિકાસ મંત્રાલયે મંગળવારે નવા મજૂરી દરોની સૂચના જાહેરી કરી હતી. નવા દરો 1 જુલાઈથી દેશના બધા 34 રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશો અને મજૂરી ક્ષેત્રોમાં લાગુ થઈ ગઈ છે.
હવે 100 નહીં, 125 રોજગાર ગેરંટી
નવા કાયદા મુજબ ગ્રામીણ પરિવારોને હવે 125 દિવસની મજૂરીવાળા રોજગારની કાનૂની ગેરંટી મળશે, અગાઉ મનરેગા અંતર્ગત 100 દિવસની રોજગાર ગેરંટી હતી.
ન્યુનતમ મજૂરી 300 રૂપિયા નકકી
સરકારે નવી યોજનામાં 300 રૂપિયા દરરોજની ન્યૂનતમ મજૂરી નકકી કરાઈ છે. જેનો અર્થ એ થાય છે કે આ યોજના અંતર્ગત કોઈપણ રાજયમાં દૈનિક મજૂરી 300 રૂપિયાથી ઓછી નહીં હોય. સરકારનું કહેવું છે કે પૂરા દેશમાં મજૂરી દરોમાં સરેરાશ 100 ટકાથી વધુનો વધારો થયો છે.
આ રાજયોમાં મજૂરી વધી
હરિયાણામાં 409 રૂપિયા દરરોજની મજૂરી થઈ જયારે ગોવામાં 406 રૂપિયા, કેરલમાં 401 રૂપિયા અને સિકકીમમાં ઉંચાઈ વાળા ગ્રામ પંચાયત ક્ષેત્રમાં દૈનિક મજૂરી 450 રૂપિયા દરરોજની થઈ છે.
95 હજાર કરોડ રૂપિયાથી વધુનું બજેટ
નવી વ્યવસ્થા સારી રીતે લાગુ કરવા માટે રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને 95692.31 કરોડ રૂપિયાની વચગાળાની રકમ ફાળવી છે, જેનો ઉદ્દેશ સમયસર મજૂરીનું ચુકવણુ અને વિકાસ કાર્યોને કોઈ રૂકાવટ વિના ચાલુ રાખવાનો છે.
જૂના જોબકાર્ડ હાલ માન્ય રહેશે
સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઈ-કેવાયસી વેરીફાઈડ જૂના જોબ કાર્ડ ત્યાં સુધી માન્ય રહેશે, જયાં સુધી નવા ગ્રામીણ રોજગાર ગેરંટી કાર્ડ ઈશ્યુ નહીં થાય.
વિપક્ષોએ ઉઠાવ્યા સવાલ
નવી વ્યવસ્થાને લઈને વિપક્ષી દળો અને કેટલાક સામાજિક કાર્યકર્તાઓએ ચિંતા વ્યકત કરી છે. તેમનું કહેવું છે કે આથી રોજગારની માંગ આધારિત વ્યવસ્થા, રાજયો અને પંચાયતોની ભૂમિકા અને યોજના માટે પર્યાપ્ત ધન ઉપલબ્ધ કરાવવા જેવા મુદ્દા પર અસર પડી શકે છે જોકે સરકારનું કહેવું છે કે નવો કાનૂન ગ્રામીણ આજીવિકાને વધુ મજબૂત કરશે.

