New Delhi, તા.1
નેશનલ કંપની લો અપીલેટ ટ્રીબ્યુનલે એક મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે અગર કોઈ માલિક કે કંપની તેના કર્મચારીઓ માટે અલગથી પીએફ અને ગ્રેચ્યુઈટી ફંડ મેઈન્ટેન ન કરતુ હોય તો કંપની બંધ થાય કે દેવાળીયા થાય તો પણ તેના કર્મચારીઓને પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુઈટીના પુરા પૈસા મળશે.
ટ્રીબ્યુનલ પાસે એક એરલાઈન્સને ફડચામાં લઈ જવાની પ્રક્રિયા સમયે પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુઈટીના નાણા કરતા પોતાનું ધિરાણ પહેલા ચુકવવા સ્ટેટ બેંક અને અન્ય બેંકો તથા નાણાકીય કંપનીઓએ જે માંગ કરી હતી તે ટ્રીબ્યુનલે ફગાવી દીધી હતી.
ટ્રીબ્યુનલે જણાવ્યું કે, કર્મચારી પોતાના પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુઈટીની રકમ વસુલવા હકકદાર છે પછી ભલે માલીક કે કંપનીએ તેના માટે અલગથી ભંડોળ બનાવ્યુ ન હોય તો પણ કંપનીની સંપતિમાંથી કર્મચારીઓને તેના બાકી રકમની ચુકવણી કરવી પડશે.
જેટ એરલાઈન ફડચામાં જતા તેના કર્મચારીઓએ પોતાના પ્રોવિડન્ટ ફંડની બાકી રકમ અંગે તથા ગ્રેચ્યુઈટી ચુકવવા અંગે ટ્રીબ્યુનલમાં જે દલીલ કરી હતી તે માન્ય રાખી છે. જો કે ટ્રીબ્યુનલે કર્મચારીની એ માંગ નકારી હતી જેમાં જાન્યુ. થી માર્ચ 2019 સુધીના પગાર બાકી ચુકવવાની પણ માંગ કરી હતી.

