ફાલ્ગુની વસાવડા
આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. મનુષ્યને માનવી બનવાં માટે માત્ર સંવેદનાની જરૂર પડે, અને આપણે બધાં એ રીતે સંવેદના ધરાવીએ છીએ, પરંતુ માનવી બન્યાં પછી એમાંથી પાછાં મનુષ્ય બની જઈએ છીએ! એ એક બહુ મોટી દ્વિધા છે. કારણકે સતત સંવેદનશીલ બની રહેવું, સંસારીઓ માટે શક્ય નથી! અને પાછું સંસારમાં કોઈ જ સાર નથી, એ લગભગ બધાં જ જાણીએ છીએ છતાં! આપણને માનવી માંથી કયું પરિબળ મનુષ્ય બનાવે છે? બહુ નાની નાની બાબતોનું ધ્યાન રાખીએ તો આ સમસ્યાથી બચી શકાય અને આપણે માનવી બની રહીએ! મનુષ્ય તો એક બે વિશેષતાં ધરાવતું પ્રાણી જ છે! જન્મથી આપણે બધાં મનુષ્ય જ છીએ! પરંતુ અમુક લોકો મનુષ્ય તરીકે જન્મીને મનુષ્ય તરીકે જ મૃત્યુ પામે છે! એ ખોટું છે. ઈશ્વરે અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્યને એટલે જ વાણી, બુદ્ધિ, અને હાથ પગ આપ્યાં છે, કે એ પોતાની જીવનયાત્રામાં કંઈક વિશેષ કરીને જાય! આજે મંગળવાર અને એટલે ગીતા જ્ઞાનનો દિવસ, ભગવત્ ગીતાનાં છઠ્ઠા અધ્યાયના 37 માં શ્લોકમાં અર્જુન આવો જ એક પ્રશ્ન ભગવાન શ્રીકૃષ્ણને પૂછે છે, એને વિશે ચિંતન કરીશું.
**અર્જુન ઉવાચ
અયતિઃ શ્રદ્ધાયોપેતો યોગાચ્ચલિતમાનસઃ ।
અપ્રાપ્ય યોગસંસિદ્ધિં કાં ગતિં કૃષ્ણ ગચ્છતિ.૩૭
ગુજરાતી અર્થ: અર્જુન બોલ્યા: “હે કૃષ્ણ! જે મનુષ્ય શ્રદ્ધાવાળો હોય, પરંતુ પ્રયત્નમાં શિથિલ પડી જાય, અને જેના મનનો યોગમાંથી વિક્ષેપ થઈ જાય, તે યોગની સંપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કર્યા વિના કઈ ગતિને પામે છે?
આમતો બધાં જ શબ્દો અને એનો અર્થ સમજી શકાય એવો છે, પરંતુ બે શબ્દ પર જરાં વધુ ચિંતન કરીએ.
**અયતિઃ આ શબ્દનાં ઘણાં અર્થ થાય છે, મનોબળ શિથિલ થવું, લક્ષ્યથી વિમુખ થવું, કે પછી, પોતાનો જ નિર્ણય કે સંકલ્પ પૂરો થશે કે નહીં થાય એવો સંશય થવો! અર્જુન એકદમ ભોગી અને સંસારીની મનોવ્યથાને રજૂ કરે છે, ભગવાન શું જવાબ આપશે, એ આગળ જોઈશું જ! પણ આપણે સૌ એક નજર આપણી દિનચર્યા પર નાખીએ! તો સૌથી ઓછું ગમતું, એવું કોઈ કાર્ય કે ક્રિયા હોય તો એ ભગવત્ ભજન છે! અને આમાં હું તું એવું નથી, લગભગ બધાની વાત છે! અને ઓછું એટલાં માટે ગમે છે કે, ક્યાંક આપણે એ ઈશ્વર તત્વ પ્રત્યે જોઈએ એટલો અહોભાવ થતો નથી, હાં આપણે ઈચ્છ્યું હોય, આ થાય તો થોડીક વાર ભાવ થાય! વળી પાછાં હતાં ત્યાં ને ત્યાં! પરંતુ મનુષ્ય વિવિધ મહત્વાકાંક્ષા ધરાવે છે, અને એટલે જ એને ખબર છે કે, એને રીંગણાનું શાક ભાવે છે, છતાં એ અન્યનો સ્વાદ ગમાડવા કોશિશ કરે છે! આમ મનોબળ શિથિલ થવાનું કારણ એક એ પણ છે, કે આપણે એકપર સ્થિર રહી શકતાં નથી!: વાનગી સાથે સરખાવવાનું કારણ એ છે કે રસ અને સ્વાદને બહુ ગહેરો સંબંધ છે, અને ઈશ્વર રસોવૈષ છે! અથવા તો સર્વોપરી રસ છે, એને ચાખ્યા પછી બીજું કંઈ ચાખવાની જરુર રહેતી નથી! અને આપણે સૌ એ કક્ષા સુધી ચોક્કસ પહોંચી શકીએ ! નથી પહોંચી શકતા એનું કારણ માત્ર ને માત્ર અયતિઃ છે.
**શ્રદ્ધયા ઉપેતઃ શ્રદ્ધાથી સંપન્ન અથવા તો યુક્ત, કે શ્રદ્ધાવાન. બંને શબ્દને જોડીમાં લેવાનું કારણ એટલું જ છે કે યુક્ત અથવા સંપન્ન તો આપણે ઘણાંમાં છીએ, પરંતુ દરેકમાં શ્રદ્ધા નથી હોતી! અને સૌથી વધુ તો આપણી શક્તિ વિશે જ આપણને શ્રદ્ધા નથી, કારણ કે કર્મ કરતાં એનાં ફળમાં વધુ રુચિ છે! અથવા તો ફળ માટે જ કર્મ થાય છે એવું પણ છે! એટલે ઈશ્વર તત્વની સમિપ જવાં કે સાનિધ્ય માટે થતી ક્રિયા માત્ર ને માત્ર ક્રિયા રહી જાય છે! એમાં ભાવ ની બાદબાકી હોય છે. જીવ તરીકે હું અને મારું, આ બે માત્ર શબ્દ નથી, પણ એની જીવનીના બે મુખ્ય એવાં અવયવો છે, જે અગિયાર ઈન્દ્રિય કરતાં પણ એને શ્રદ્ધાથી દૂર લઈ જાય છે, કે ઈશ્વરથી દૂર લઇ જાય છે. સંસારી વ્યવહારમાં તો બરોબર છે, પણ અધ્યાત્મમાં શ્રદ્ધા મુખ્ય ગુણ છે! અને એ શૂન્ય હોય ત્યારે એની સાથે ગમે તેનો સરવાળો કરો, કે ગુણાકાર, પરિણામ શૂન્ય જ રહે છે! અને આમ આપણી ફળ વગરની ક્રિયામાંથી રુચિ ઓછી થતી જાય છે.
અર્જુન એક ખૂબ જ વ્યવહારુ પ્રશ્ન પૂછે છે, કે
કોઈ વ્યક્તિને અભ્યાસમાં, કારકિર્દીમાં કે જીવનનાં કોઈ ઉચ્ચ લક્ષ્યમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય, પરંતુ વચ્ચે મન ભટકી જાય, ઉત્સાહ ઓછો થઈ જાય. આજુબાજુનાં વધુ મહેનત કરે છે, એ આગળ નીકળી જશે, અને હું પાછળ રહી જઈશ તો? અથવા નબળી પરિસ્થિતિઓને કારણે હું પોતાનું લક્ષ્ય પૂર્ણ નહીં કરી શકું? તો તેનું શું થાય? મૂળમાં અંત સુધી પહોંચી શકતો નથી, તો શું તેનો બધો પ્રયત્ન વ્યર્થ જાય છે? એટલે સામાન્ય રીતે આ પ્રશ્ન માત્ર યોગ માટે જ નથી, પરંતુ જીવનનાં દરેક ક્ષેત્ર માટે લાગુ પડે છે.
હવે અધ્યાત્મિક અર્થ જોઇએ,અહીં યોગનો અર્થ માત્ર આસન કે પ્રાણાયામ નથી; પરંતુ આત્મસાક્ષાત્કાર, ઈશ્વરપ્રાપ્તિ, એકાગ્રતા, કે પછી મનની એવી કક્ષા કે જ્યાં એને અન્ય સૌ માટે શુભ ભાવ છે. જો કોઈ સાધક શ્રદ્ધાપૂર્વક સાધના શરૂ કરે, પરંતુ મનની ચંચળતાને કારણે પૂર્ણ આત્મજ્ઞાન કે ઈશ્વરપ્રાપ્તિ સુધી પહોંચી શકે નહીં, તો શું તેની આધ્યાત્મિક યાત્રા અધૂરી રહી જાય? શું તેની કરેલી સાધના કે પ્રયત્નો એટલે કે સંયમ, નિયમ, વ્રત, તપ, વગેરે નષ્ટ થઈ જાય? શ્રીકૃષ્ણનો ઉત્તર ખૂબ આશ્વાસનદાયક છે, જે આપણે ક્રમ અનુસાર જોઈશું.
ટૂંકમાં પ્રત્યેક મનુષ્યમાં ઈશ્વર અંશ તરીકે આત્મા હોય જ છે, અને એટલે એને ક્યારેક ને ક્યારેક તો પોતાનાં જમીર વિશે પ્રશ્ન થાય જ છે! કારણકે આસ્તિક હોય કે નાસ્તિક એ ઈશ્વર તત્વથી પ્રેરિત થાય જ છે, અને એને મેળવવાનો પ્રયત્ન કરે જ છે, ત્યારે તેનો પ્રયત્ન પૂરો થાય નહીં, તો એની ગતિ કેવી હોય એ આ શ્લોકનો મુખ્ય સંદેશ છે. સાચી શ્રદ્ધાથી કરેલા સદ્પ્રયત્નનો અંત ફળ દાયક છે.આથી આ શ્લોક નિષ્ફળતાનો નહીં, પરંતુ આશા, ધૈર્ય અને આધ્યાત્મિક પ્રગતિની અખંડિતા દર્શાવે છે. અર્જુન તો શ્રીકૃષ્ણનો પરમ સખા હતો અને એ જાણતો હતો કે કૃષ્ણ જે કહે એ પરમ સત્ય જ છે! પરંતુ આપણાં જેવાંના ઉદ્ધાર માટે એણે વિધવિધ પ્રશ્નો કર્યા, અને કૃષ્ણ એ એ પ્રશ્નનાં જવાબ આપી સમાધાન કર્યું. એટલે આ શ્લોકના જે બે મુખ્ય શબ્દ છે! એનો અર્થ બરોબર સમજી, અને આપણે ઈશ્વર તત્વ પ્રત્યે કાયમ શ્રદ્ધાવાન રહી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે, તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

