Rajkot તા.૧૩
રાજકોટ દક્ષિણ વિધાનસભા-૭૦ના ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ આજે શહેરની પ્રતિષ્ઠિત એચ.જે. દોશી હોસ્પિટલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ તથા તેમના પરિવારજનો સાથે આત્મીય સંવાદ કરી તેમની ખબરઅંતર પૂછ્યા હતા તેમજ હોસ્પિટલ દ્વારા આપવામાં આવતી ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓની પ્રશંસા કરી હતી.
ધારાસભ્યશ્રીએ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈ દર્દીઓને ઉપલબ્ધ સારવાર, સ્વચ્છતા, આધુનિક આરોગ્ય સુવિધાઓ અને દર્દીકેન્દ્રિત સેવાઓ અંગે માહિતી મેળવી હતી. હોસ્પિટલમાં અનુભવી ડોક્ટરોની ટીમ, આધુનિક નિદાન સુવિધાઓ, ત્વરિત ઇમરજન્સી સારવાર તથા દર્દીઓ પ્રત્યેનો માનવતાભર્યો અભિગમ હોસ્પિટલની વિશેષતા હોવાનું તેમણે જણાવ્યું હતું.
મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં રાજ્ય સરકારની ‘‘આયુષ્માન ભારત -’’ યોજના અંતર્ગત ઉપલબ્ધ વિવિધ આરોગ્ય સેવાઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. યોજના હેઠળ હૃદયરોગ સારવાર, કાર્ડિયો-થોરાસિક વાસ્ક્યુલર સર્જરી, યુરોલોજી સારવાર, કિડની અને ડાયાલિસિસ સારવાર તેમજ પીડિયાટ્રિક અને નવજાત શિશુ સંભાળ જેવી સારવાર સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું જણાવાયું હતું. હોસ્પિટલ દ્વારા સરકારની આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકોને મળી રહે તે માટે પણ સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું હોસ્પિટલ તંત્રએ જણાવ્યું હતું.
ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ હોસ્પિટલના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને કર્મચારીઓ દ્વારા નિષ્ઠાપૂર્વક આપવામાં આવતી સેવાઓને બિરદાવતાં જણાવ્યું હતું કે આરોગ્ય ક્ષેત્રે સેવાભાવ અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ હોસ્પિટલ દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે, દર્દીઓની સેવા એ માનવતાનું સર્વોચ્ચ કાર્ય છે અને સમાજસેવાનું ઉત્તમ સ્વરૂપ છે. હોસ્પિટલ પરિવાર દ્વારા દર્દીઓને ગુણવત્તાસભર સારવાર સાથે હૂંફ અને આત્મીયતા આપવામાં આવે છે, જે ખરેખર પ્રશંસનીય છે. સમાજના દરેક વર્ગને સુલભ અને ઉત્તમ આરોગ્ય સેવાઓ મળે તેવા પ્રયાસો સતત ચાલુ રહે તે જરૂરી છે.
મુલાકાત દરમિયાન હોસ્પિટલ દ્વારા લોકોના ભલા અને સહાય માટે કરવામાં આવતા વિવિધ સેવાકીય કાર્યો અંગે માહિતી આપવામાં આવી હતી. આ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રાજવીરસિંહ વાળા અને ગોપાલભાઈ બોળિયાએ હોસ્પિટલ દ્વારા હાથ ધરવામાં આવતા વિવિધ જનકલ્યાણકારી કાર્યો અંગે માહિતી આપી હતી.
હોસ્પિટલ ખાતે યોજાતા વિવિધ સેવાકીય અને જનહિતલક્ષી કાર્યોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ સક્રિય સહભાગી બની સમાજસેવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા હોવાનું ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું. તેમણે આવા સેવાભાવી કાર્યોથી સમાજમાં સકારાત્મક પરિવર્તન આવે છે તેમ પણ ઉમેર્યું હતું.
આ પ્રસંગે હોસ્પિટલના જી.એમ. ફાઇનાન્સ એન્ડ એડમિનિસ્ટ્રેશન સેન્ટર હેડ શ્રી હરેશભાઈ ધોરડા, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર અને એચ.આર. શ્રી હિરેનભાઈ ગઢવી તેમજ મેડિકલ સુપરીન્ટેન્ડેન્ટ ડૉ. પ્રતીક સોલંકી દ્વારા હોસ્પિટલની કામગીરી અને સેવાકીય પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન કોર્પોરેટર શ્રી પંકજભાઈ લુણાગરિયા, કોર્પોરેટર શ્રી મોહિતસિંહ જાડેજા, કોર્પોરેટર શ્રીમતી માધવીબેન બદ્રકિયા, કોર્પોરેટર શ્રીમતી સોનલબેન સેલારા, શહેર ભાજપના ઉપપ્રમુખ, વોર્ડ પ્રમુખ, મહામંત્રી, પ્રભારી, આગેવાનો તથા વોર્ડ નં. ૧૩ની ટીમના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્યશ્રીની આ શુભેચ્છા મુલાકાતથી હોસ્પિટલ પરિવાર, દર્દીઓ તથા સ્ટાફમાં નવચેતના અને ઉત્સાહનો સંચાર થયો હતો તેમજ હોસ્પિટલની સેવાભાવી કામગીરીને વધુ પ્રોત્સાહન મળ્યું હતું.

