Mumbai, તા.5
ભારતીય ક્રિકેટ ટીમને અફઘાનિસ્તાન સામે 13 જૂનથી ધર્મશાલામાં શરૂ થનારી ત્રણ મેચોની વનડે સિરીઝ પહેલાં મોટો ઝટકો લાગ્યો છે. ટીમનાં સૌથી અનુભવી અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી હેમસ્ટ્રિંગની ઇજાના કારણે આખી સિરીઝમાંથી બહાર થઈ ગયા છે.
તાજેતરમાં જ પૂરી થયેલી આઈપીએલ સીઝનમાં શાનદાર પ્રદર્શન કરી રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને સતત બીજી વખત ચેમ્પિયન બનાવનાર કોહલીની ગેરહાજરીથી ભારતીય બેટિંગ લાઇન-અપ નબળી પડશે અને દર્શકોના ઉત્સાહ પર પણ તેની અસર પડી શકે છે.
વિરાટ કોહલી ઉપરાંત પૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ફિટનેસને લઈને પણ સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. રોહિત શર્માને પણ આઈપીએલ દરમિયાન હેમસ્ટ્રિંગની સમસ્યા નડી હતી, જેના કારણે સિરીઝમાં તેમની ઉપલબ્ધતા પર સવાલો ઊભા થયા છે. રોહિતને ટીમમાં સામેલ તો કરાયા છે પરંતુ તેમનું રમવું ફિટનેસ પર આધાર રાખશે અને ટીમ મેનેજમેન્ટ હાર્દિક તથા રોહિત બંનેની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
કોહલીની ગેરહાજરીના કારણે હવે ભારતીય મિડલ ઓર્ડર અને યુવા ખેલાડીઓ પર વધારાનું દબાણ આવશે અને તેમણે વધુ જવાબદારી નિભાવવી પડશે. પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટ માટે પ્લેઇંગ ઇલેવનમાં કોહલીના યોગ્ય વિકલ્પને શોધવો એ મોટો પડકાર રહેશે.
આગામી મોટી ટૂર્નામેન્ટોની તૈયારીના ભાગરૂપે આ સિરીઝ ભારત માટે ખૂબ મહત્વની હોવાથી વરિષ્ઠ ખેલાડીઓની આ ઇજાઓ ટીમ માટે ચિંતાનો વિષય બની ગઈ છે.

