ફાલ્ગુની વસાવડા
છેલ્લા કેટલાક સમયથી લગભગ મિડિયાનાં દરેક પ્લેટફોર્મ પર જાણે સાંપ્રત સમયની ભિષણતાને એ રીતે દર્શાવવામાં આવે છે કે, આપણને એમ થાય કે સમાજમાં ક્રાઈમ સિવાય બીજું કંઈ થતું જ નથી. પછી તે ટીવી સિરિયલ હોય, સીરિઝ હોય કે ફિલ્મ હોય! અથવા તો ટીવી ચેનલ અને ન્યુઝ પેપર પણ… ભલે ક્રાઈમ ની ટકાવારી કરતાં ઘણું ઓછું પણ સારું કાર્ય પણ સમાજમાં થાય છે! અને એવા નિતીવાન, ઈમાનદાર, અને પ્રમાણિક લોકો ના ખભે જ સમાજ આટલો સ્થિર ઉભો છે! જે ભલભલી આંધી ઓને ખમી ને આપણને બચાવે છે! અને પાછું જરુરી નથી કે આવાં લોકો ધનવાન જ હોય! ઉલટું ક્યારેક એવું લાગે કે આપણી કરતાં એ લોકો માનવતાનો ધર્મ અને સંસ્કૃતિગત સંસ્કાર નિભાવે છે, અને કદાચ ઘરમાં ખાવાનું ધાન પણ માંડમાંડ આવતું હોય છતાં આપણી સંસ્કૃતિની ધજા લહેરાતી રાખે છે. તો આજે બુધવારની બોધકથા માં આવો જ એક કિસ્સો.
રિદ્ધિ અને સિદ્ધિ બંને 14 વર્ષની જોડિયા બહેનો હતી, અને આજે બંને વચ્ચે ક્યારની રકઝક ચાલતી હતી! રિદ્ધિ કહેતી હતી આપણે પાર્ટીમાં જવું નથી, અને સિદ્ધિ કહેતી હતી ના આપણે જવું જ છે! રિદ્ધિ એ કહ્યું પણ સિદ્ધિ આપણી પાસે એવી પાર્ટીમાં જવાનાં કપડાં નથી! અને નાહક હાંસીપાત્ર થવું એવું શું કામ કરવું જોઈએ! સિદ્ધિ એ કહ્યું કે પૂનમ મારી ખાસ ફ્રેન્ડ છે, અને મેં એને પાક્કું પ્રોમિસ કર્યું છે, કે અમે આવીશું! આમપણ આવી મજા આપણે તો ક્યારેય કરી શકવાના નથી! કેક, કોલ્ડ ડ્રીંક, જુદી જુદી વાનગીઓ, અને ડાન્સ, અને જુદી જુદી થીમ પર ગેમ હશે! રિદ્ધિ એ કહ્યું કે પૂનમે પાર્ટી પણ ફાર્મ હાઉસમાં રાખી છે! એટલે જવું પણ કેમ ? સિદ્ધિ એ કહ્યું કે એ પ્રશ્ન તો સોલ્વ થઈ ગયો છે, મેં નંદિની ને કહ્યું છે એ એની ગાંડમાં આપણને લેતી જશે. એમની મમ્મી એ શક્ય હોય એ રીતે બેયને પાર્ટી માટે તૈયાર કરી દીધી! બંને દેખાવમાં સુંદર હતી એટલે થોડી હેર સ્ટાઇલ કરી વાળને છૂટા મૂક્યા! ચહેરાને અનુરૂપ જે હતું એમાંથી બુટ્ટી ચેન એવું પહેરાવ્યું, અને મામીએ આપેલી લિપસ્ટિક લગાવી દીધી. બંને નંદિનીની રાહ જોતાં હતાં, એ આવી ગઈ અને પાર્ટીમા પહોંચી ગયા.
પાર્ટીમાં બધાંએ ખૂબ મજા કરી અને રિદ્ધિ એ ધાર્યું હતું એવું કંઈ જ થયું નથી, ઊલટાના બધાએ રિદ્ધિ સિદ્ધિ બંને બહેનોના ખૂબ વખાણ કર્યા! પાર્ટી પૂરી થઈ બધાને રિટર્ન મળી અને આનંદ કરતાં કરતાં બધાં છૂટાં પડ્યાં. નંદિનીની ગાડી રિદ્ધિ સિદ્ધિ ના ઘરથી થોડે દૂર હતી ત્યાં જ એમાં પંચર પડ્યું અને બેય જણાંએ કહ્યું કે અમારું ઘર સામેની શેરીમાં જ અને આ મહોલ્લો એકદમ સુરક્ષિત હતો, ઘણીવાર સાંજ પછી બંને શેરીને નાકે આવેલી દુકાનમાં ચીજ વસ્તુઓ લેવા જતાં હતાં. બંને જણાં ચાલતાં ચાલતાં આવતાં હતાં અને ચાર રસ્તાની લાઈટ ઉડી ગઈ હશે એટલે બંધ હતી, નવ વાગ્યે આવી જવાનું મા એ કહ્યું હતું પણ મોડું ઘણું થઈ ગયું હતું, અને એટલે બેય ઉતાવળે ઉતાવળે ચાલતાં હતાં ત્યાં સિદ્ધિનાં પગે એક પોર્ટફોલિયો અથડાયો! કોઈની વસ્તુ લેવી ન જોઈએ એમ કરી એ આગળ ચાલ્યાં, પણ સિદ્ધિ પાછી ફરી અને એ પોર્ટફોલિયો લઈ આવી. બંને ઘરે આવ્યાં, અને પોતાના કપડાંના કબાટમાં એ પોર્ટફોલિયો સંતાડી દીધો, અને મમ્મી પપ્પા સાથે પાર્ટીની વાતો કરવા લાગી. રાત્રે મમ્મી પપ્પા સૂઈ ગયા છે, એવું નક્કી થયાં પછી એમણે એ પોર્ટફોલિયો ખોલ્યો તો બેયની આંખો પહોળી થઇ ગઈ! એમાં ખૂબ બધાં રુપિયા અને થોડા કાગળિયા હતાં અને એવું લાગતું હતું કે, કોઈ કંપનીના ક્લાર્કથી આ પોર્ટફોલિયો પડી ગયો હશે! રિદ્ધિ એ કહ્યું બિચારાને કેટલી ચિંતા થતી હશે! સિદ્ધિ એ કહ્યું કે આ રુપિયા હવે આપણાં છે! આપણને કેટલી જરૂર છે! શું તને ખબર નથી કે પપ્પા બે શિફ્ટમાં કામ કરે છે, અને મમ્મી સિવણ કામ, ત્યારે આપણે ભણી શકીએ છીએ! ના આ રુપિયા હું પપ્પાને જ આપીશ! હાં સારું પણ અત્યારે તો સૂઈ જા! આમ પણ આવતીકાલે પપ્પાનો જન્મ દિવસ છે, આપણે એને પોર્ટફોલિયો ગિફ્ટ આપીશું.
હેપી બર્થ ડે પપ્પા એમ કરીને બંને બહેનોએ પોર્ટફોલિયો એનાં પપ્પાને આપ્યો! મનોહરભાઈ ને એમ થયું કે ઓફિસ જવાં માટે પોર્ટફોલિયાની ગિફ્ટ આપી છે. પરંતુ એને ખોલતાં જ એમાંથી રૂપિયા અને અગત્યનાં કાગળિયાઓ નીકળ્યાં. એમણે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું કે આ તમને ક્યાંથી મળ્યું! એમણે ટૂંકમાં બધું કહ્યું! મનોહર ભાઈએ રુપિયા ગણ્યા તો પાંચ લાખ રુપિયા રોકડા હતાં, અને બીજી પંદર લાખની ફિક્સ ડિપોઝિટની રિસીટ હતી! એમણે કહ્યું કે આપણે આ રાખી શકીએ નહીં, જેનું હોય એને આપી દેવું પડે! બિચારાની માથે આભ તૂટી પડ્યું હશે! સિદ્ધિ એ કહ્યું ના, મને મળ્યું એટલે હવે એ મારું જ છે! મનોહર ભાઈને થયું એમ નહીં સમજે.
સારું ચાલ તું કહે એમ કરીશું, પણ તને યાદ છે, ગયા વર્ષે હું કમર દુઃખતી હતી, ત્યારે બે મહિના ઘરે રહ્યો હતો, પણ હકીકતમાં મને સસ્પેન્ડ કર્યો હતો. મારાથી પણ આવી જ રીતે એક પોર્ટફોલિયો પડી ગયો, અને જેમાં કંપનીના રૂપિયા હતાં! અને મારી પર એની ચોરીનો આરોપ મૂકાયો હતો. ક્યાં પડ્યો એ પણ ખબર નહોતી! અને એકદિવસ એક નવીનભાઈ આપણાં ઘરનું એડ્રેસ પુછતાં પુછતાં આવ્યાં. એમણે મારું નામ પુછ્યું! કેમ નોકરી એ નથી જતાં એ પુછ્યું! મેં કારણ કહ્યું અને એ મને કંપનીમાં લઈ ગયા અને મેનેજરને પોર્ટફોલિયો આપ્યો અને કહ્યું કે મનોહર ભાઈ નિર્દોષ છે! તને ખબર છે એ નવીનભાઈ સાવ મજૂરીનું કામ કરે છે! અને તારી જેમ એનાં દિકરાએ પણ રુપિયા આપવાની ના પાડી હતી, પણ એને રાત દિવસ ચેન પડતું નહોતું, કે નક્કી કોઈ ગરીબની હાય લાગશે, અને અંતે એણે રુપિયા આપવાનું નક્કી કર્યું. બેટા તું કહે છે એમ આપણે આ રુપિયા રાખી લઈએ, અને તારા પપ્પા જેમ એની નોકરી પણ ચાલી જાય, અને શક્ય છે, એનાં નાનાં બાળકોને આગળ ભણાવી શકે નહીં! હું અને તારી મમ્મી આટલી મહેનત તમને ભણાવવા માટે જ કરીએ છીએ! કે તમારી આવતીકાલ સુખ સુવિધા ભરી બને! પણ બેટા જીવન મુલ્યોની બાદબાકી કરવી પડે! એવાં સુખ સુવિધા શું કામ નાં? સિદ્ધિને પોતાની ભૂલ સમજાઈ ગઈ, અને એણે કહ્યું પપ્પા આપણે એને શોધી અને આ રુપિયા આપી દેશું! એ ભાઈ એક સહકારી બેન્કમાં ક્લાર્ક હતાં! નોકરીમાંથી તાત્કાલિક રુપિયા ભરી દેવાની નોટિસ આવી હતી, પણ આટલી મોટી રકમ ક્યાંથી ભરી શકે! એટલે આત્મ સન્માન માટે આત્મ હત્યા કરવાનું વિચાર્યું હતું,પણ એ પહેલાં જ એમણે પણ રમણભાઈને શોધી લીધાં! તો મનોહર ભાઈ, નવીનભાઈ, કે રમણભાઈ જેવાં ગરીબીની મહેકથી આટલાં આટલાં ગુન્હા થવાં છતાં આપણો સમાજ મહેંકે છે.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

