દિલ્હીના અડધાથી વધુ સીસીટીવી સર્વેલન્સ નેટવર્કમાં ચીની બનાવટના કેમેરાનો સમાવેશ થાય છે
New Delhi,તા.૪
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર કેન્દ્ર સરકાર વિશે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે સરકારે સામાન્ય લોકો માટે ચાઇનીઝ સીસીટીવી કેમેરાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં, આવા કેમેરા હજુ પણ સરકારી ઇમારતોમાં લગાવવામાં આવે છે. તેમણે કહ્યું, “વિદેશી એઆઇ પ્લેટફોર્મ સંવેદનશીલ ડેટા પર પ્રક્રિયા કરી રહ્યા છે, અને સરકાર પાસે તેના વિશે કહેવા માટે કંઈ નથી. મેં સંસદમાં ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયને પ્રશ્નો પૂછ્યા. જવાબમાં ઘણું કહેવામાં આવ્યું, પરંતુ કંઈ જવાબ આપવામાં આવ્યો નહીં…”
રાહુલ ગાંધીએ સમજાવ્યું કે તેમણે સરકારને પૂછ્યું હતું કે, “આપણા કેમેરા કયા દેશોમાંથી આવ્યા છે? તેમાંથી કેટલા સુરક્ષા પ્રમાણિત છે? કયા વિદેશી એઆઇ પ્લેટફોર્મ સરકારી ડેટા પર પ્રક્રિયા કરી રહ્યા છે? કઈ પ્રતિબંધિત એપ્લિકેશનો હજુ પણ બદલાયેલા નામો હેઠળ ચાલી રહી છે?” રાહુલે કહ્યું કે મંત્રાલયના જવાબમાં કોઈ નંબર નથી, કોઈ જવાબ નથી, અને એક પણ પ્લેટફોર્મનું નામ પણ નથી.
સરકારના પ્રતિભાવ પત્રને સોશિયલ મીડિયા પર શેર કરતા રાહુલ ગાંધીએ લખ્યું, “સરકાર દ્વારા ઉપયોગમાં લેવાતા ૧૦ લાખ ચાઇનીઝ કેમેરા ડેટા ટ્રાન્સફરનું જોખમ ઉભું કરે છે તે સ્વીકાર્યાના પાંચ વર્ષ પછી, સરકારે હજુ પણ જાહેર કર્યું નથી કે આજે આપણી દેખરેખ રાખતા કેમેરા સુરક્ષિત છે કે નહીં. આ ભારતને અંધારામાં રાખવાનું ઇરાદાપૂર્વકનું કાવતરું છે. મોદી સરકાર પોતાની નિષ્ફળતાઓ છુપાવી રહી છે અને વિદેશી દેખરેખ વિશે સત્ય છુપાવી રહી છે, જેનાથી દરેક નાગરિકની સલામતી જોખમમાં મુકાઈ રહી છે.”
દિલ્હીના અડધાથી વધુ સીસીટીવી સર્વેલન્સ નેટવર્કમાં ચીની બનાવટના કેમેરાનો સમાવેશ થાય છે, જેના કારણે રાજ્ય સરકારે રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓને કારણે તબક્કાવાર રિપ્લેસમેન્ટ પ્રક્રિયા શરૂ કરી છે. જાહેર બાંધકામ વિભાગના મંત્રી પ્રવેશ વર્માએ બુધવારે જણાવ્યું હતું કે ચીની કંપની હિકવિઝન પાસેથી મેળવેલા કેમેરા ધીમે ધીમે શહેરભરમાંથી દૂર કરવામાં આવશે અને તેમની જગ્યાએ નવા કેમેરા લગાવવામાં આવશે.
પીડબ્લ્યુડીએ દિલ્હીમાં ૨.૭ લાખથી વધુ ઝ્રઝ્ર્ફ કેમેરા લગાવ્યા છે. આમાંથી, પ્રથમ તબક્કા (સપ્ટેમ્બર ૨૦૨૦ થી નવેમ્બર ૨૦૨૨) દરમિયાન સ્થાપિત કરાયેલા આશરે ૧.૪ લાખ કેમેરા ચીનમાં બનાવવામાં આવ્યા હતા, જ્યારે બીજા તબક્કા (જૂન ૨૦૨૫ થી માર્ચ ૨૦૨૬) માં સ્થાપિત થનારા બાકીના કેમેરા ચીન સિવાયના દેશોમાંથી મેળવવામાં આવશે. જોકે, સરકારે સરકારી ઇમારતોની અંદર ચાઇનીઝ કેમેરા અંગે કોઈ કાર્યવાહી કરી નથી, જેનાથી પ્રશ્નો ઉભા થાય છે.

