Mumbai,તા.24
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની T20 વર્લ્ડ કપ 2026ની સુપર-8 મેચમાં 76 રને ભારતની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. હાર બાદ ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11ને લઈને અનેક સવાલો ઉભા થયા છે. જેમાં ઓલરાઉન્ડર અક્ષર પટેલને પ્લેઈંગ 11માંથી બહાર રાખવાને લઈને સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. અક્ષર પટેલને કેમ ડ્રોપ આઉટ કરાયો તેને લઈને સહાયક કોચે ખુલાસો કર્યો છે.
સહાયક કોચ રાયન ટેન ડેશકાટેએ મેચ બાદ પ્રેસ કોન્ફ્રન્સમાં અક્ષર પટેલને પ્લેઈંગ 11થી બહાર રાખવા મામલે ટીમ ઈન્ડિયાની રણનીતિનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘ટીમ કોમ્બિનેશન અને સાઉથ આફ્રિકાના ટોપ ઓર્ડરમાં ઘણા ડાબા હાથના બેટ્સમેનોની હાજરીને કારણે ઘણી વિચાર-વિમર્શ પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ડાબા હાથના બેટર ક્વિન્ટન ડી કોક, રયાન રિકલ્ટન અને અને ડેવિડ મિલર ટીમ ઈન્ડિયા માટે મોટું જોખમ હતા. તેથી ટીમે ઓફ-સ્પિન વિકલ્પને પ્રાથમિકતા આપી જે પાવરપ્લેમાં ઉપયોગી સાબિત થઈ શકે. અમને લાગ્યું કે, પાવરપ્લેમાં વોશિંગ્ટન અક્ષરની તુલનામાં વધુ અસરકારક બોલર બની શકે છે. તેથી જ તેને તક આપવામાં આવી હતી.’
પાવરપ્લેમાં ડાબા હાથના બેટર સામે સુંદરનો રેકોર્ડ અક્ષરથી સારો છે. સુંદરે 57 ઈનિંગ્સમાં 23 વિકેટ લીધી છે, જ્યારે અક્ષરે 62 ઈનિંગ્સમાં 14 વિકેટ લીધી છે. અક્ષર મધ્ય ઓવરોમાં વધુ અસરકારક છે. અક્ષરે 79 ઈનિંગ્સમાં 63 વિકેટ લીધી છે, જ્યારે સુંદરે 48 ઈનિંગ્સમાં 23 વિકેટ લીધી છે. જો અક્ષર પ્લેઈંગ-11નો ભાગ હોત તો તે સાઉથ આફ્રિકાના રન રેટને રોકી શક્યો હોત.
સુંદરને રમાડવાનો ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટનો નિર્ણય અસફળ સાબિત થયો. સુંદરે 2 ઓવરની બોલિંગમાં કોઈ વિકેટ લીધા વગર 17 રન આપ્યા છે. જ્યારે બેટિંગમાં માત્ર 11 રન કર્યા છે. સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરી હતી, જેમાં 7 વિકેટ પર 187 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ 111 રન કર્યા અને 76 રનથી મેચ હારી ગઈ હતી.

