Sayla,તા.31
સાયલા તાલુકાના ઢેઢુકી ગામમાં વાહન સામે આવવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. મોટરસાયકલ લઈને ઘરે જઈ રહેલા ૨૪ વર્ષીય યુવાન પર પીકઅપ કાર ચાલકે પાઇપ અને રબરના પટ્ટા વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવાનને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, સાયલા તાલુકાના ઢેઢુકી ગામમાં રહેતા અશોકભાઈ કલાભાઈ કોશિયાણી (ઉં.વ. ૨૪) ગત રાત્રે આશરે ૯:૦૦ વાગ્યાની આસપાસ પોતાનું કામ પતાવીને મોટરસાયકલ પર ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે તેમણે પોતાની મોટરસાયકલ રોડ પર ચડાવી, ત્યારે સામેથી આવી રહેલા પીકઅપ ચાલક સાથે બોલાચાલી થઈ હતી. ફોરવીલ ચાલકે કહ્યું કે તેં મારી સામે ગાડી કેમ નાખી?’ તેમ કહી ગાળાગાળી શરૂ કરી હતી. ત્યારબાદ ઉશ્કેરાયેલા ચાલકે પાઇપ અને રબરના પટ્ટા વડે મને આડેધડ માર માર્યો હતો. હુમલામાં ગંભીર ઇજાઓ થતા અશોકભાઈને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અશોકભાઈ બે ભાઈ અને બે બહેનોમાં સૌથી નાના અને અપરિણીત છે. ડ્રાઇવિંગ કરીને તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ બનાવ અંગેની જાણ થતા જ પોલીસે હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્તનું નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે.

