Rajkot,તા.૧૯
રાજકોટના મોરબી રોડ પર મારવાડી યુનિવર્સિર્ટીની ગર્લ્સ હોસ્ટેલના એ વિંગના ૧૦માં માળેથી ઝંપલાવી વિદ્યાર્થિનીએ જિંદગી ટૂંકાવી છે. મૂળ આંધ્રપ્રદેશની ૧૯ વર્ષીય અલ્લા વ્યંકટેશ સૌબર્નિકાએ સવારે ૧૦ વાગ્યે આ પગલું ભર્યું હતું. મૃતક યુવતી કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એઆઇ બેઝ અભ્યાસ કરતી હતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોસ્ટેલમાં સુસાઇડ કર્યું હતું.
મળતી માહિતી મુજબ, આજે સવારે સાડા ૧૦ વાગ્યાના અરસામાં શોભરણિકાએ હોસ્ટેલના ૧૦મા માળેથી નીચે ઝંપલાવ્યું હતું. વિદ્યાર્થીનીએ ઝંપલાવતા જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી તંત્ર તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
પોલીસે મૃતક વિદ્યાર્થીનીના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. જોકે, શોભરણિકાએ આટલું મોટું પગલું કયા કારણોસર ભર્યું તે હાલ અકબંધ છે. કોઈ અંગત કારણ હતું કે અન્ય કોઈ બાબતને લઈને વિદ્યાર્થીની તણાવમાં હતી કે કેમ, તે સહિતના તમામ મુદ્દાઓને લઈને પોલીસ તપાસ કરી રહી છે.મહત્વનું છે કે, મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં અગાઉ પણ વિદ્યાર્થીઓના ઝંપલાવીને મોતને વ્હાલુ કરવાના બનાવો સામે આવી ચૂક્યા છે. ત્યારે ફરી એક વખત હોસ્ટેલના ૧૦મા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવી જીવન ટૂંકાવ્યાની ઘટનાએ યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા કર્યા છે.
હાલ પોલીસ દ્વારા મૃતક વિદ્યાર્થીનીના પરિવારજનો, મિત્રો અને યુનિવર્સિટી સાથે જોડાયેલા લોકો પાસેથી માહિતી મેળવવાની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ વિદ્યાર્થીનીના છેલ્લા દિવસોમાં તેના વર્તન અને સંપર્કમાં રહેલા લોકો સહિતની વિગતો પણ તપાસનો ભાગ બની શકે છે. શોભરણિકાએ કયા સંજોગોમાં આ પગલું ભર્યું? તેની પાછળ કોઈ ચોક્કસ કારણ હતું કે કેમ? અને સમગ્ર ઘટનામાં પોલીસની તપાસમાં શું સામે આવે છે? તે જોવું મહત્વનું રહેશે.

