ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ અધિકારીઓ અને કર્મચારીઓને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા
Rajkot તા.૧૮ઃ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન ખાતે ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સ્વચ્છતા હી સેવા૨૦૨૬ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન ૦૨ ઑક્ટોબર ૨૦૨૬ સુધી ચાલશે. આ વર્ષે આ અભિયાનનો મુખ્ય વિષય (થીમ) ‘‘સ્વચ્છતામાં સહભાગિતા; સ્વચ્છ ભારત, વિકસિત ભારત‘‘ રાખવામાં આવ્યો છે. ત્યારબાદ ૦૧ ઑક્ટોબરથી ૧૫ ઑક્ટોબર ૨૦૨૬ દરમિયાન સ્વચ્છતા પખવાડિયા૨૦૨૬નું આયોજન કરવામાં આવશે.
અભિયાનના પ્રથમ દિવસે રાજકોટ ડિવિઝનના વિવિધ રેલવે પરિસરોમાં સ્વચ્છતા શપથ અને જનજાગૃતિલક્ષી પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. ડિવિઝનલ રેલવે મેનેજર કચેરીના કોન્ફરન્સ હોલમાં ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીનાએ રેલવે અધિકારીઓ, કર્મચારીઓ અને ઉપસ્થિત લોકોને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે સ્વચ્છ સ્ટેશન, સ્વચ્છ રેલવે પરિસર અને સ્વચ્છ પર્યાવરણ પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા સ્વચ્છ રેલવેસ્વચ્છ ભારતના નિર્માણમાં જનભાગીદારીનું આહ્વાન કરવામાં આવ્યું હતું.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, પ્રથમ દિવસે યાંત્રિક વિભાગના કોચિંગ ડેપો, રેલવે સ્ટેશનો, રેલવે કોલોનીઓ, ઇલેક્ટ્રિકલ ડેપો તેમજ અન્ય રેલવે પરિસરોમાં કાર્યરત અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્વચ્છતા શપથ દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાના કાર્યસ્થળ તથા આસપાસના વિસ્તારોને સ્વચ્છ રાખવા, સ્વચ્છતા સંબંધિત સારી આદતો કેળવવા અને અન્ય લોકોને પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા માટેની કટિબદ્ધતા દર્શાવી હતી.આ પ્રસંગે વાંકાનેર હેલ્થ યુનિટ દ્વારા પોષણ સંબંધિત ખામીઓ અંગેની જાગૃતિ સાથે સ્વચ્છતા અને જળ સંચય સંવાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

