રેડ ક્રોસ સોસાયટીની ભૂમિકાઃ ગુજરાતમાં ૧૨૪ શાખાઓ, છેલ્લા ત્રણ વર્ષમાં ૪.૪૫ લાખ લોકોને પ્રાથમિક સારવાર તાલીમ
આલેખન રાજકુમાર
સપ્ટેમ્બર – નાની-મોટી ઈજા હોય કે અચાનક સર્જાયેલી મોટી દુર્ઘટના, કટોકટીની ક્ષણે મળતી પ્રાથમિક સારવાર દર્દીની સ્થિતિ વધુ ગંભીર બનતી અટકાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ડોક્ટર કે હોસ્પિટલ સુધી પહોંચતા પહેલાંનો સમય ઘણીવાર જીવન અને મૃત્યુ વચ્ચેની નિર્ણાયક કડી બની રહે છે.
આવા સમયે યોગ્ય રીતે આપવામાં આવેલી પ્રાથમિક સારવાર ઈજાગ્રસ્તને તાત્કાલિક રાહત આપવાની સાથે તેનું જીવન બચાવવામાં પણ મદદરૂપ બની શકે છે. તેથી, પ્રાથમિક સારવાર અંગેનું જ્ઞાન અને યોગ્ય તાલીમ દરેક વ્યક્તિ માટે આવશ્યક છે. તા. ૧૨ સપ્ટેમ્બર, વિશ્વ પ્રાથમિક સારવાર દિવસ નિમિત્તે, પ્રાથમિક સારવારનું મહત્વ, તેની યોગ્ય પદ્ધતિઓ અને જનજાગૃતિની જરૂરિયાતને ઉજાગર કરવાનો મહત્વપૂર્ણ દિવસ છે.
ભારતીય રેડક્રોસ સોસાયટી દ્વારા કુદરતી કે માનવ સર્જિત આફત સમયે સારવાર સહાય ઉપરાંત પ્રાથમિક સારવારની બેઝિક તેમજ સર્ટિફાઈડ તાલીમ પણ પૂરી પાડવામાં આવે છે. ગુજરાત રાજ્ય શાખાના ડાયરેક્ટર શ્રી મનીષાબેન સોલંકી તેમજ અમદાવાદ રેડ ક્રોસ સોસાયટીના ડાયરેક્ટર શ્રી નરેશભાઈ ગોહિલે સંસ્થાની કામગીરી અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, ગુજરાતમાં ૩૩ જિલ્લાઓ અને ૯૨ તાલુકાઓમાં રેડક્રોસની શાખાઓ કાર્યરત છે.
રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં શાળા, કોલેજમાં ૪.૪૫ લાખ વિદ્યાર્થીઓને બેઝિક ફર્સ્ટ એઇડ તાલીમ આપવામાં આવી છે. જયારે કંપનીઓ અને વિવિધ સંસ્થાઓમાં કુલ ૩.૪૦ લાખ લોકોને સર્ટિફાઈડ તાલીમ પુરી પાડવામાં આવી છે.
રાજકોટ રેડ ક્રોસ સોસાયટી દ્વારા બંને પ્રકારની તાલીમ પુરી પાડવામાં આવે છે. આ અંગે સંસ્થાના અધિકારીઓ દ્વારા માહિતી આપતા જણાવાયું છે કે, વર્ષ ૨૦૨૪-૨૫માં ૮૪૧ તેમજ વર્ષ ૨૦૨૫-૨૬માં ૫૬૬ લોકોને સર્ટિફાઈડ ટ્રેનિંગ આપવામાં આવી છે. જયારે શાળા અને કોલેજમાં બે વર્ષ દરમ્યાન ૫૧૦૦ જેટલા વિદ્યાર્થોને બેઝિક પ્રાથમિક સારવારની તાલીમ આપવામાં આવી છે.
પ્રાથમિક સારવાર તાલીમ
રાજકોટ રેડ ક્રોસ સંસ્થાના ટ્રેનર શ્રી બીપીનભાઈ અને તેમની ટીમએ જણાવ્યું છે કે, પ્રાથમિક સારવાર તાલીમ મુખ્યત્વે થિયરી, નિદર્શન અને પ્રેક્ટિકલ એમ ત્રણ તબક્કામાં આપવામાં આવે છે. જેમાં બ્લીડિંગ ડ્રેસિંગ અને બેન્ડેજ, ફ્રેકચર, દાઝી જવું, એનિમલ બાઈટ, આચકીની સ્થિતિમાં પ્રાથમિક સારવાર અને દર્દીને એમ્બ્યુલન્સ કે હોસ્પિટલ સુધી સલામત રીતે પહોંચાડવા તેમજ હદય રોગના હુમલા સમયે જરૂરી સી.પી. આર.ની તાલીમ આપવામાં આવે છે.
પ્રાથમિક સારવાર તાલીમનું મહત્વ
સર્ટિફાઈડ તાલીમ એક સપ્તાહની હોય છે, તાલીમ પૂર્ણ થયા બાદ રેડક્રોસ સોસાયટી હેડ ક્વાર્ટર, નવી દિલ્હી દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવે છે. ગુજરાતમાં જી.એસ.આર.ટી.સી. તેમજ અન્ય વિભાગોમાં નોકરી મેળવતા પહેલા આ પ્રમાણપત્ર ફરજીયાત હોય છે. જયારે કંપનીઓમાં ફેક્ટરી એક્ટ અનુસાર ફર્સ્ટ એઇડ ટ્રેનિંગ ફરજિયાત હોય છે. રેડ ક્રોસના અનુભવી તજજ્ઞો દ્વારા પ્રેક્ટીકલ સાથે કંપનીમાં જઈને આ તાલીમ આપવામાં આવતી હોવાનું શ્રીનરેશભાઈ ગોહિલે વિશેષ માહિતી આપતા જણાવ્યું છે.
રેડ ક્રોસ સંસ્થા માત્ર તાલીમ પૂરતી જ માર્યાદિત ન રહેતા આફ્ત વેળાએ પીડિત લોકોને ભેદભાવ વગર આગળ આવી મદદરૂપ બને છે. ગુજરાતમાં કોઈપણ આફત જેમ કે ભૂકંપ, પૂર, વાવાઝોડું કે કોઇ મહામારીમાં આવી હોય તે દરેક સમયે રેડ ક્રોસ સરકારશ્રીના સહાયક તરીકે આગળ આવી મદદરૂપ બન્યું છે
વિશ્વ પ્રાથમિક સારવાર દિવસ ૨૦૨૬ની થીમ ‘‘સ્થળાંતરની પરિસ્થિતિમાં પ્રાથમિક સારવાર જીવનરક્ષક સહાય સાથે ગૌરવ અને માનવતાની જાળવણી’’ ખાસ કરીને સ્થળાંતરની પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય સેવાઓ તાત્કાલિક મળી ન શકે તે સ્થિતિમાં યોગ્ય સમયે મળતી પ્રાથમિક સારવાર માત્ર જીવન બચાવવાનું સાધન જ નહીં, પરંતુ સ્વાવલંબન, ગૌરવ, માનવતા અને સમુદાયની સંવેદનશીલતાનું પણ પ્રતીક બની શકે છે.

