Surendranagar તા.19
ચોટીલા પંથકમાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે વહીવટી તંત્ર દ્વારા વધુ એક વખત કડક હાથ કરવામાં આવ્યા છે. ચોટીલાના ધારૈઇ ગામે તંત્રના કોઈ પણ પ્રકારના ડર વગર ગેરકાયદે રીતે સાદી રેતીનું ખનન અને વહન ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે નાયબ કલેક્ટર સહિતની ટીમ ખરા બપોરે ત્રાટકી હતી.
આ ઓપરેશન દરમિયાન સ્થળ પરથી હિટાચી/જેસીબી અને ટ્રેક્ટરો સહિત અંદાજિત 50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં આ ખનીજ ચોરી પાછળ એક મોટો ખુલાસો સામે આવ્યો છે ધારૈઇ ગામના સરકારી તળાવમાંથી આશરે 1200 મેટ્રિક ટન જેટલી માટી/રેતીની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. તંત્ર દ્વારા અસંખ્ય વાર દરોડા પાડવામાં આવ્યા હોવા છતાં ખૂણે-ખાંચકે ભૂમાફિયાઓ સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે, ત્યારે ચોટીલા નાયબ કલેક્ટરે સીધી કાયદાકીય આકરી કાર્યવાહી હાથ ધરી છે.
ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા સહિતની ટીમ બપોરના 3ઃ35 વાગ્યાના અરસામાં ધારૈઇ ગામે આવેલા સરકારી તળાવ પર અચાનક ત્રાટકી હતી. તળાવમાંથી સાદી રેતીનું ગેરકાયદેસર રીતે ખનન કરતા 1 જેસીબી તેમજ ટ્રોલી સાથેના 2 ટ્રેક્ટરોને રંગેહાથ ઝડપી પાડીને જપ્ત કરવામાં આવ્યા હતા.
પકડાયેલા વાહન માલિકો અને આ નેટવર્ક ચલાવતા શખ્સો વિરુદ્ધ પ્રશાસન દ્વારા લેન્ડ ગ્રેબિંગ જમીન પચાવી પાડવા વિરોધી કાયદો તેમજ તડીપાર જિલ્લા નિકાલ જેવા કડક કાયદા હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

