(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૯ઃ
Jamnagar મહાનગરપાલિકાના એસ્ટેટ (દબાણ હટાવ) વિભાગના કર્મચારીઓ પર ગત ૨૩ મી તારીખે ફરજ દરમિયાન જીવલેણ હુમલો કરાયાની ગંભીર ઘટના સામે આવી છે. અંબર ચોકડી નજીક નવા બ્રિજ નીચે દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન કેટલાક શખ્સોએ મહાનગરપાલિકાના કર્મચારીઓ પર મરચાં સ્પ્રે છાંટી પથ્થરમારો કર્યો હતો, જેમાં હુમલામાં એસ્ટેટ શાખાના કર્મચારી ચેતનસિંહ જાડેજાને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમને આઠ ટાંકા લેવા પડ્યા હતા. મહિપત દાઉદીયાને માથામાં ગંભીર ઇજા પહોંચતા નવ ટાંકા લેવામાં આવ્યા હતા. ઉપરાંત ફેજલ ખફી, વિજયસિંહ ઝાલા અને વિજય રાઠોડને પણ શરીરના વિવિધ ભાગોમાં ઇજાઓ પહોંચી હતી. તમામ ઘાયલોને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ૮ આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. જે પૈકી અંબર ચોકડી પાસે રહેતા કનૈયાલાલ પરમાર, તેનો પુત્ર ઉદલ કનૈયાલાલ પરમાર, મલખાન ઉર્ફે ધુંધો અને એક મહિલા આરોપી ની અટકાયત કરી લીધી હતી.જામનગર શહેર વિભાગ ના ડીવાયએસપી જે એન ઝાલા ની રાહબરી હેઠળ સીટી બી ડિવિઝનના પી.આઈ.એન.એમ. ગઢવી અને તેઓની સમગ્ર ટીમ દ્વારા ઉપરોકત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

