(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૯ઃ
Jamnagar જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ સામે હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત પંચકોશી ’એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે તા. ૨૮/૦૬/૨૦૨૬ના રોજ ખીમરાણા ગામની મોરાવાળી સીમ વિસ્તારમાં આવેલ નદીના કાંઠે જાહેર સ્થળે ચાલતા જુગારધામ પર સફળ રેઇડ કરી હતી.
કાર્યવાહી દરમિયાન આરોપી કિશોરભાઈ મોહનભાઈ માડવીયા, ભગવાનજીભાઈ બેચરભાઈ ધારવીયા, રણછોડભાઈ તરશીભાઈ ધારવીયા, સુભાષભાઈ નરાણભાઈ મકવાણા, રાકેશભાઈ તુલશીભાઈ મુંગરા, ભગવાનજીભાઈ ઉર્ફે રૂપો ભીખાભાઈ ગમારા તથા રાહુલ ઉર્ફે કદુડો બચુભાઈ ચાવડા જાહેરમાં ગંજીપાનાના પાનાં વડે ‘‘રોન પોલીસ‘‘ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરતા ઝડપાઈ આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા ૬૩,૫૦૦, મોબાઇલ ફોન નંગ ૦૭ કિંમત રૂ. ૩૫,૦૦૦ તથા ગંજીપાનાના પાનાં સહિત કુલ રૂ. ૯૮,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે પંચકોશી ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજરાત જુગારધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી તમામ આરોપીઓની કાયદેસરની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

