(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૯ઃ
કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે તા. ૨૮/૦૬/૨૦૨૬ના રોજ કાલાવડ-રાજકોટ હાઇવે પર જસાપર ગામ નજીક હિટ એન્ડ રન અકસ્માતનો બનાવ બન્યો હતો.પ્રાથમિક તપાસ મુજબ અજાણ્યા નંબરની ફોરવ્હીલ કારના ચાલકે પોતાની કાર પૂરઝડપે તેમજ બેફિકરાઈ અને ગફલતભરી રીતે હંકારી એક્ટિવા રજી. નં. જી.જે -૩ કે.એલ ૬૮૧૩ ને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.
જે અકસ્માતમાં એક્ટિવા ચાલક દિનેશભાઈ ગોકળભાઈ અમેથીયા (ઉ.વ. ૫૫)ને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે તેમની સાથે પાછળ બેઠેલા મોહનભાઈ ભવાનભાઈ ગોંડલિયા (ઉ.વ. ૬૫)ને ખભા, માથા તથા જમણી આંખના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ અંગે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪ અને ૧૩૪ હેઠળ ગુનો નોંધી અજાણ્યા વાહનચાલકની શોધખોળ અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

