રૂ.૧૦ લાખથી વધુની વીજચોરીના બે કેસ, રૂપિયા પાંચ લાખ થી વધુની વિજ ચોરી સહિત મોટી રકમની ચોરીના અનેક ગુના
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૨
જામનગર શહેર-જિલ્લામાં વીજચોરી સામે ચાલી રહેલી કાર્યવાહીના પગલે જામનગરના વીજ પોલીસ મથકમાં છેલ્લા પાંચ દિવસમાં વીજચોરીની કુલ ૪૧૭ પોલીસ ફરિયાદો નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને પાંચમા દિવસે જ વધુ ૧૧૦ ફરિયાદો નોંધાતા વીજચોરી સામેની કાર્યવાહીનો વ્યાપ કેટલો મોટો છે તેનો અંદાજ આવી રહ્યો છે.મળતી વિગતો મુજબ, વીજચોરીના આ ૪૧૭ કેસોમાં મોટી રકમની વીજચોરીના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. જેમાં રૂ.૧૦ લાખની આસપાસની વીજચોરીની બે ફરિયાદો નોંધાઈ હોવાનું જાણવા મળે છે. ઉપરાંત રૂ.૫ લાખથી વધુની વીજચોરીના આઠ કેસો પણ નોંધાયા છે.
આ ઉપરાંત રૂ.૧ લાખથી રૂ.૨.૫ લાખ સુધીની વીજચોરીના અનેક કેસો વીજ પોલીસ મથકમાં નોંધાયા છે. આમ, માત્ર નાની રકમની વીજચોરી પૂરતી જ કાર્યવાહી સીમિત ન રહેતા મોટી રકમની વીજચોરીના કિસ્સાઓ પણ પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યા છે.વીજચોરીના કેસોમાં વીજ કંપની દ્વારા તપાસ અને આકારણી કર્યા બાદ નિયમ મુજબ વીજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાંચ દિવસમાં ૪૧૭ ફરિયાદો નોંધાતા વીજચોરી સામેની કાર્યવાહીનો આંકડો નોંધપાત્ર રીતે વધ્યો છે.

