એરપોર્ટ ઓથોરિટીની મંજૂરી બાદ આ એરપોર્ટ્સ પર પેસેન્જર ફ્લાઇટ્સ ૧૪ મેના બદલે ૧૨ મેથી જ પુનઃ શરૂ થઈ રહી છે
Kutch,તા.૧૨
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને પગલે ૧૦ મેના રોજ ગુજરાત સહિત દેશના ૩૨ એરપોર્ટ બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ, સીઝફાયર બાદ ગુજરાતના ૮ એરપોર્ટ ૧૨ મેથી ફરી કાર્યરત થયા છે.
૧૦ મેના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા માહોલ વચ્ચે દેશભરમાંથી કુલ ૩૨ એરપોર્ટ, જેમાં ગુજરાતના ૮ એરપોર્ટનો સમાવેશ થતો હતો, ૧૪ મે સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. આ વચ્ચે, ૧૦ તારીખે સાંજે ૫ વાગ્યે બંને દેશોએ સીઝફાયરની જાહેરાત કરતા સ્થિતિ સામાન્ય બનવા લાગી છે. આ સંજોગોમાં, ગુજરાતના ભુજ, કંડલા, કેશોદ, જામનગર, નલિયા, મુંદ્રા, હીરાસર (રાજકોટ) અને પોરબંદર જેવા ૮ એરપોર્ટ્સ હવે ફરીથી કાર્યરત કરવામાં આવ્યા છે. એરપોર્ટ ઓથોરિટીની મંજૂરી બાદ આ એરપોર્ટ્સ પર પેસેન્જર ફ્લાઇટ્સ ૧૪ મેના બદલે ૧૨ મેથી જ પુનઃ શરૂ થઈ રહી છે. ઇન્ડિગો અને એર ઇન્ડિયા જેવી એરલાઇન કંપનીઓ દ્વારા ટિકિટ બુકિંગ શરૂ થતા જ નિયમિત ફ્લાઈટો શરૂ થશે. ૭થી ૧૪ મે દરમિયાન રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ચાલતી તમામ ૧૦ ફ્લાઈટ્સ રદ કરાઈ હતી, જેના કારણે દરરોજ અંદાજે ૩,૨૦૦ મુસાફરોને વિકલ્પરૂપે ટ્રેન, બસ અથવા ખાનગી વાહનોનો સહારો લેવો પડ્યો હતો. ઇન્ડિગો અને એર ઇન્ડિયાની તમામ ફ્લાઇટ્સ રદ થતા અનેક મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. હવે જ્યારે એરપોર્ટ ઓથોરિટીએ પેસેન્જર ફ્લાઈટ્સ માટે મંજૂરી આપી છે, ત્યારે મુસાફરોને નોંધપાત્ર રાહત મળી છે. રાજકોટથી ઇન્ડિગો દ્વારા ચલાવાતી મુંબઈની ૩ અને દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ તથા ગોવાની ૧-૧ ફ્લાઈટો રદ કરાઈ હતી. એ જ રીતે, એર ઇન્ડિયાની મુંબઈની ૨ અને દિલ્હીની ૧ ફ્લાઈટ પણ રદ કરાઈ હતી. હાલ તમામ સેવાઓ ધીમે ધીમે પુનઃ શરૂ થતી જોવા મળી રહી છે. યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે બંધ કરાયેલ જામનગર એરપોર્ટ પણ આજે પ્રવાસીઓ માટે ફરીથી ખુલ્લો મુકાઈ ગયો છે. હવે અહીંથી દૈનિક વિમાની સેવાઓ ફરી શરૂ થવાની છે.