Kurdistan,તા.૧૯
ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને ૪૫ વર્ષમાં પ્રથમ વખત કુર્દીસ્તાન પ્રાંતના ગવર્નર તરીકે સુન્ની મુસ્લિમ લઘુમતીના સભ્યનું નામ આપ્યું છે. સરકારના પ્રવક્તા ફતેમેહ મોહજેરાનીએ જણાવ્યું હતું કે અરશ ઝેરહતાનને પશ્ચિમી રાજ્યના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ૧૯૭૯ની ઇસ્લામિક ક્રાંતિના શરૂઆતના દિવસોથી શિયા બહુલ દેશમાં પ્રાદેશિક ગવર્નર બનાવનાર તેઓ પ્રથમ સુન્ની છે. ૪૮ વર્ષીય અરશ ઝેરહતાન, ૨૦૨૦ અને આ વર્ષ વચ્ચે પાવેહ શહેર માટે સંસદના સભ્ય તરીકે સેવા આપી હતી. ઓગસ્ટની શરૂઆતમાં, ૬૯ વર્ષીય રાષ્ટ્રપતિ પેજેશકિયાને સુન્ની લઘુમતીના અન્ય સભ્ય અબ્દોલકરીમ હુસેનઝાદેહને તેમના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા.
તમને જણાવી દઈએ કે ઈરાનની વસ્તીમાં સુન્નીઓનો હિસ્સો લગભગ ૧૦ ટકા છે. ક્રાંતિ પછીથી તેઓ ભાગ્યે જ સત્તાના મોટા હોદ્દા ધરાવે છે. ઈરાનમાં બહુમતી શિયા છે અને શિયા ઈસ્લામ સત્તાવાર રાજ્ય ધર્મ છે.

