Mumbai,તા.૧૭
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે હાલમાં ત્રણ મેચની વનડે શ્રેણી ચાલી રહી છે. આ પછી બંને ટીમો વચ્ચે પાંચ મેચની ટી ૨૦ શ્રેણી રમાશે. ટી ૨૦ શ્રેણી પહેલા જ, ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે જ્યારે સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ઈજાને કારણે આખી શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. તેના સ્થાને ખેલાડીની પણ જાહેરાત કરવામાં આવી છે.
વડોદરા સ્થિત બીસીએ સ્ટેડિયમ ખાતે ૧૧ જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડ સામેની પહેલી વનડેમાં બોલિંગ કરતી વખતે, વોશિંગ્ટન સુંદરને તેની પાંસળીઓમાં ભારે દુખાવો થયો હતો. તેનું સ્કેન કરાવવામાં આવ્યું હતું, જેમાં સાઇડ સ્ટ્રેન હોવાનું બહાર આવ્યું હતું. તેને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. તે હવે વધુ સારવાર માટે બીસીસીઆઇના સેન્ટર ઓફ એક્સેલન્સમાં રિપોર્ટ કરશે. તેના સ્થાને રવિ બિશ્નોઈને ટીમમાં બોલાવવામાં આવ્યા છે.
બીજી તરફ, તિલક વર્માને પણ ઈજાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સર્જરી કરવામાં આવી હતી. એવી અપેક્ષા છે કે તે લગભગ એક મહિના સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહેશે. આ કારણોસર,બીસીસીઆઇએ અગાઉ તેને ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ત્રણ ટી ૨૦ મેચમાંથી બહાર કરી દીધો હતો. હવે, શ્રેયસ ઐયરને ન્યૂઝીલેન્ડ સામેની ટી ૨૦ શ્રેણીની પ્રથમ ત્રણ મેચ માટે પસંદ કરવામાં આવ્યો છે. આ માહિતી બીસીસીઆઇ દ્વારા જ આપવામાં આવી હતી.
શ્રેયસ ઐયરે ૨૦૨૧ માં ભારતીય ટીમ માટે ટી ૨૦ માં પ્રવેશ કર્યો હતો અને ત્યારથી, તેણે ૫૧ ટી ૨૦ મેચોમાં કુલ ૧૧૦૪ રન બનાવ્યા છે, જેમાં ૮ અડધી સદીનો સમાવેશ થાય છે.
ટી ૨૦ શ્રેણી માટે ભારતીય ટીમઃ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, શ્રેયસ ઐયર (પ્રથમ ત્રણ ટી૨૦), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, રિંકુ સિંહ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, ઇશાન કિશન, રવિ બિશ્નોઈ.

