Palanpur,તા.૨૭
ગુજરાત સહિત દેશમાં ૭૭મા પ્રજાસત્તાક દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. વાવ થરાદ જિલ્લામાં ૨૬મી જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ રાજ્યપાલના વરદ હસ્તે અહીં તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના વાવ-થરાદ ખાતે યોજાયો હતો. જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જ્યારે અમદાવાદ જિલ્લા કક્ષાની ઉજવણીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તિરંગો લહેરાવ્યો હતો. ૭૭મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વાવ-થરાદ જિલ્લાના મલુપુર ખાતે આયોજિત રાજ્યકક્ષાની ઉજવણીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
આ ગૌરવપૂર્ણ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તથા રાજ્યપાલ સાથે ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કરી નાગરિકોનું ઉષ્માભર્યું અભિવાદન ઝીલ્યું હતું. રાષ્ટ્રગૌરવની ભાવના સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં શિસ્ત, શૌર્ય અને સંસ્કૃતિનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો.
મહાનુભાવો સમક્ષ સુરક્ષા દળોની સુવ્યવસ્થિત સલામી પરેડ, રોમાંચક કરતબો, કૌશલ્યપૂર્ણ પ્રદર્શન અને સ્થાનિક લોકસંસ્કૃતિને ઉજાગર કરતી રંગબેરંગી રજૂઆતો દ્વારા સમગ્ર ઉજવણીને યાદગાર બનાવવામાં આવી હતી.
વાવ-થરાદ ખાતે આયોજિત રાજ્યકક્ષાના મહોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરાવ્યું હતું. ધ્વજવંદન દરમિયાન આકાશમાંથી હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ગુજરાત પોલીસના ૧૬૦૦ જેટલા જવાનોએ ૨૨ પ્લાટુનમાં વિભાજિત થઈને શિસ્તબદ્ધ પરેડ રજૂ કરી તિરંગાને સલામી આપી હતી.
આ વર્ષે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી માટે યજમાની કરવાનો અવસર નવરચિત વાવ-થરાદ જિલ્લાને મળ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાનાર આ ભવ્ય કાર્યક્રમ જિલ્લાવાસીઓ માટે ગૌરવની ક્ષણ બન્યો છે. વાવ-થરાદ જિલ્લામાં પ્રથમવાર પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થઈ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, “સૌ નાગરિકોને ૭૭મા પ્રજાસત્તાક પર્વની અનેકાનેક શુભકામનાઓ. આ પાવન અવસરે માતૃભૂમિની સ્વતંત્રતા માટે સર્વસ્વ ન્યોછાવર કરનાર ક્રાંતિવીરો અને ભારતીય લોકશાહીના પાયા સમાન બંધારણના ઘડવૈયાઓને વંદન.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘વિકસિત ભારત જ્ર ૨૦૪૭’ ના લક્ષ્ય તરફ દેશ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે. આવો, આપણે સૌ એકતા અને સમરસતાના તાંતણે બંધાઈને ’રાષ્ટ્ર પ્રથમ’ ની ભાવના સાથે બંધારણીય મૂલ્યોને આત્મસાત કરીએ અને ભારતને વિશ્વના શિખર સ્થાને બિરાજમાન કરવાના પુરુષાર્થમાં સહભાગી બનીએ.”

