Mumbai Hyderabad, તા.17
તિહાર જેલમાં બંધ રાજપાલ યાદવને એક જૂના ચેક-બાઉન્સ કેસમાં જામીન મળ્યા છે, જ્યારે 10 વર્ષ જૂના કેસમાં અમીષા પટેલ વિરુદ્ધ વોરંટ (Warrant) જારી કરવામાં આવ્યું છે.
મુરાદાબાદ ACJM-5 કોર્ટે ફિલ્મ અભિનેત્રી અમીષા પટેલ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું. આ કેસની સુનાવણીમાં તેની ગેરહાજરીને કારણે આ આદેશ જારી કરવામાં આવ્યો હતો. અભિનેત્રીને 27 માર્ચે ACJM-5 કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ઇવેન્ટ મેનેજર પવન વર્માએ આરોપ મૂક્યો હતો કે, અમીષા પટેલે વર્ષ 2017માં મુરાદાબાદમાં એક લગ્ન સમારંભમાં પરફોર્મન્સ કરવા માટે 11 લાખ રૂપિયા ફી લીધી હતી. જો કે, ફી મળ્યા પછી પણ તે પરફોમન્સ માટે કાર્યક્રમમાં આવી નહોતી.
ફરિયાદ મુજબ, અમીષા મુંબઈથી દિલ્હી આવી હતી પરંતુ ત્યારબાદ વધુ 2 લાખ રોકડ માંગ્યા હતા. ઇવેન્ટ કંપનીએ આ માંગણી સ્વીકારી નહોતી, જેના કારણે તેઓ દિલ્હીથી મુંબઈ પરત ફરી ગઈ હતી. અને કાર્યક્રમમાં હાજરી આપી નહોતી. આથી નારાજ થઈને ઇવેન્ટ કંપનીએ અભિનેત્રી સામે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.
લગભગ બે વર્ષ પહેલાં તેઓ મુરાદાબાદ આવી જામીન પર મુક્ત થઈ હતી. પરંતુ આરોપ છે કે તેમણે જામીનની શરતોનું પાલન કર્યું નહોતું. કોર્ટમાં ગેરહાજરીને કારણે ફરીથી તેની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યો છે. અને જજે અમીષાને 27 માર્ચે કોર્ટમાં હાજર રહેવાનો હુકમ પણ કર્યો છે

