New Delhi તા.19
આગામી માસથી ચાલુ થનાર ઈન્ડીયન ક્રિકેટ લીગ (આઈપીએલ)માં હવે સ્ટેડીયમમાં જઈને મેચ જોવાનું મોંઘુ પડશે. સરકારે આઈપીએલની મેચ ટીકીટને જીએસટીના સૌથી ઉંચા એટલે કે 40 ટકાના સ્લેબમાં આવરી લીધી છે અને તેથી હવે આઈપીએલની એન્ટ્રી ફી અથવા ટીકીટ ફી જે કઈ ગણતા હોય તેના 40 ટકા જીએસટી લાગશે.
સરકારે આઈપીએલને લકઝરી ક્રિકેટ એન્ટરટેઈનમેન્ટ સર્વિસ હેઠળ મુકી છે જેથી તેના પર અત્યાર સુધી 28 ટકાનો જે જીએસટી દર હતો તે વધીને 40 ટકા થઈ જશે. જીએસટી કાઉન્સીલે જાહેર કર્યું હતું કે કોઈપણ ક્રિકેટ મેચ કે જે સરકાર માન્ય હોય કે જેમાં ટીમ ઈન્ડીયા સતાવાર રીતે રમતી હોય તેની રૂા.500 સુધીની ટીકીટ પર કોઈ ટેકસ લાગશે નહીં.
જયારે રૂા.500થી ઉપરની ટીકીટ પર 18 ટકાનો જીએસટી લાગે છે પરંતુ આઈપીએલને લકઝરી અને મનોરંજન ગણીને તેના પર 40 ટકાનો જીએસટી લાગશે એટલે કે રૂા.2000ની ટીકીટ હશે તો તેના પર રૂા.800 એટલે કે કુલ રૂા.2800ની ટીકીટ મળશે. આઈપીએલમાં કોઈપણ દરની ટીકીટ પર 40 ટકાનો જ ટેકસ લાગશે તે સરકારે નિશ્ચિત કર્યું છે.

