Surendaranagar તા.2
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખાટડી ગામે ખેડૂત આગેવાન રાજુ કરપડાએ કિસાન ક્રાંતિ સભા યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, છેલ્લા 8 વર્ષથી ખેડૂતો માટે લડતો આવ્યો છું અને છેલ્લા શ્વાસ સુધી લડતો રહીશ. જો ભાજપમાં જોડાવા અંગેની વાત પર નિવેદન આપતા કહ્યું કે, ત્રણેય તાલુકાને સિંચાઈનું પાણી આપવાની જાહેરાત કરે તો ખેડૂતોના હિતમાં તેઓ ભાજપમાં પણ જોડાવા તૈયાર છે.
ખેડૂત આગેવાન રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, આજે મને ખુશી એ વાતની છે કે અમારી અહીંયા 14-15 વર્ષની દીકરીઓ લલકારવા માંડી છે અને સલ્તનતોને લલકારે છે. 15 વર્ષ પહેલા પુરુષો બોલતા ડરતા હતા, આજે અમારી દીકરીઓ પણ સત્તા અને રાજકીય પાર્ટીઓને લલકારીને ખેડૂતો માટે અવાજ ઉઠાવતી થઈ છે.
તેમણે પોતાના સંઘર્ષના મૂળિયા ખેડૂત પરિવારોની પીડામાં જોયા હોવાનું જણાવ્યું, જ્યાં લગ્નો જેવા પ્રસંગોએ પણ દીકરીઓને સોનું ચડાવવા માટે માતાઓ પોતાના દાગીના ગિરવે મૂકતી હતી. તેમણે ઉમેર્યું કે, માત્ર ભાષણબાજીથી, રેલીઓથી કે ધરણાંથી પરિણામ નથી મળતું, જ્યારે કોઈની પીડામાં સહભાગી થવું હોય ત્યારે પોતે એ પીડા અનુભવવી જોઈએ.
ભાજપમાં જોડાવાની અટકળો પર તેમણે સ્પષ્ટ કર્યું કે, જો ભાજપ સરકાર ત્રણેય તાલુકાને સિંચાઈનું પાણી આપવાની જાહેરાત કરે તો ખેડૂતોના હિતમાં તેઓ ભાજપમાં પણ જોડાવા તૈયાર છે. તેમણે કોંગે્રસ સહિત કોઈપણ રાજકીય પ્લેટફોર્મ પરથી ખેડૂતોના અવાજને મજબૂતીથી ઉઠાવવાની તૈયારી દર્શાવી હતી.
તેમણે કહ્યું, “ખાટડી ગામના આંગણેથી કહીએ છીએ, પોણા ચાર વર્ષ સુધી જેલમાં રહેવું પડે તો એ તૈયારી છે, પણ મારો ખેડૂત એક દિવસ જેલમાં જાય એ પોહાતી વાત નથી. તેમણે રાજકીય ષડયંત્રોને પડકારતા કહ્યું કે, અમારી પાસે પૈસા નથી, અમારી પાસે સત્તા નથી, સલ્તનત નથી, અમારી પાસે ખેડૂતના આશીર્વાદ છે અને આશીર્વાદ કોઈ દિવસ કોઈ તોડી નહીં શકે.

