Gondal. તા.07
ગોંડલના ગુંદાળા ગામે રહેતી 15 વર્ષીય સગીરા પર નજીકમાં જ રહેતા શખ્સે જાતીય સતામણી કરી હતી. ધુળેટી પર્વ પર ઘરમાં ધસી જઈ હવસખોરે સગીરાની મરજી વિરુદ્ધ મોઢું દબાવી છાતીના ભાગે હાથ ફેરવી વિખોડીયા ભરી નિર્લજ્જ હુમલો કર્યો હતો. જે બાબતે માઠું લાગી આવતા સગીરાએ અગાસી પરથી મોતની છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે મામલે સગીરાની માતાની ફરિયાદ પરથી ગુનો નોંધી ગોંડલ તાલુકા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
બનાવ અંગે ગોંડલના ગુંદાળા ગામે રહેતી મૂળ બિહારના નાલંદા જિલ્લાની 38 વર્ષ પરિણીતાએ નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે રામસેવક ફુલચંદ માંઝી (રહે હાલ. ગુંદાળા ગામ, ગુજરાત હાઇસ્પિનિંગ મિલ કોલોની, ગોંડલ) નું નામ આપતા પોલીસે પોકસો એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેણી અહીં તેના પતિ, પુત્રી સહિતના પરિવારજનો સાથે રહી મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈ તા.04 ના ધુળેટીના પર્વ પર બપોરના આશરે ત્રણ વાગ્યા આસપાસ પરિણીતા અને તેનો પરિવાર ક્વાર્ટર પર જમવા બેઠો હતો. ત્યારે પરિણીતાની 15 વર્ષીય સગીર પુત્રી અન્ય રૂમમાં પોતાના વાળ ઓળાવતી હતી. ત્યારે તેમના રહેણાંકની નજીકમાં જ રહેતો રામસેવક માંઝી ફરીયાદીનાં ક્વાર્ટર પર ઘસી આવ્યો હતો.
આરોપી ફરીયાદીની સગીર પુત્રી પાસે જઈ ‘મારે તારી સાથે હોળી રમવી છે, તને કલર લગાવો છે’ તેમ કહ્યું હતું, પરંતુ સગીર પુત્રીએ આરોપી સાથે ધુળેટી રમવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે સગીરાની મરજી વિરુદ્ધ તેને પકડી લઇ મોઢું દબાવી દીધું હતું.
બાદમાં તેણીના મોઢા પર રંગ લગાવી છાતીના ભાગે હાથ ફેરવી સગીરાની છાતી દબાવી નખના વિખોડિયા ભરી ઈજા પહોંચાડી હતી. જે બાદ સગીરાએ રાડારાડી કરતા આરોપી રામસેવક માંઝી ત્યાંથી નાસી ગયો હતો.
જે બાદ સગીરા પર થયેલ નિર્લજ્જ હુમલાથી તે હેબતાઈ ગઈ હતી અને તેનું માઠું લાગી આવતાં તેના રહેણાંકની અગાસીએથી છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કરતા તેણીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
બનાવને પગલે સગીરાની માતાએ તાત્કાલિક ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પીઆઈ વી એમ ડોડીયાની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ગણતરીની કલાકોમાં જ આરોપી રામસેવક ફુલચંદ માંઝી (ઉ.વ.20) ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી આદરી હતી.

