Surendaranagar, તા.18
સુરેન્દ્રનગર જિલ્લાના ઐતિહાસિક હવામહેલ ખાતે આગામી તા. 21 અને 22 માર્ચના રોજ બે દિવસીય ’મિલેટ્સ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના સુચારૂ સંચાલન અને પૂર્વતૈયારીઓ માટે મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકા સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે કાર્યક્રમની રૂપરેખા અને વ્યવસ્થા અંગે જરૂરી માર્ગદર્શન આપતાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ મહોત્સવ માત્ર એક પ્રદર્શન બનીને ન રહેતા, સામાન્ય નાગરિકોના દૈનિક આહારમાં પૌષ્ટિક ધાન્યના વપરાશને પ્રોત્સાહન આપવાનું સબળ માધ્યમ બનવું જોઈએ.
આ મહોત્સવનો મુખ્ય હેતુ ’ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ’ની સાતત્યતા જાળવી ખેડૂતોને મિલેટ એટલે કે જાડા ધાન અંગે વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડવાનો છે. આ ઉપરાંત, પ્રાકૃતિક ખેતીને વેગ આપી મિલેટ્સના મૂલ્યવર્ધન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવા પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચવ્યું હતું.
આ મહોત્સવમાં અંદાજે 25,000 થી 30,000 જેટલા મુલાકાતીઓ ઉમટી પડે તેવી શક્યતાને ધ્યાને રાખીને કમિશનરે હવામહેલ ખાતે જરૂરી તમામ માળખાકીય સુવિધાઓ, સુરક્ષા અને બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
મેળામાં બાજરી, જુવાર, રાગી અને કાંગ જેવા વિવિધ મિલેટ્સમાંથી બનતી પૌષ્ટિક વાનગીઓના સ્ટોલ્સ સાથે સ્થાનિક ખેડૂતો અને મહિલા સંચાલિત સ્વસહાય જૂથો (SHGs) દ્વારા તૈયાર કરાયેલી મિલેટ્સ આધારિત પ્રોડક્ટ્સનું પ્રદર્શન અને વેચાણ પણ કરવામાં આવશે.
મહોત્સવ દરમિયાન પ્રાકૃતિક કૃષિ, મિલેટ આધારિત ’રેડી ટુ ઈટ’ વાનગીઓ, લાઈવ ફૂડ આઈટમ્સ અને હસ્તકલા સહિત જુદાજુદા 20 જેટલા વિશેષ સ્ટોલ્સ ઊભા કરાશે. આ ઉપરાંત, સ્થાનિક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સીધો સેતુ સ્થાપિત કરશે.

